સુરત: ઉમરપાડા તાલુકાના એક કબ્રસ્તાનમાંથી સોમવારે મળી આવેલા બે મૃતદેહોનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને જેલ ભેગા કર્યા છે. જોકે,સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બે શખ્સના મૃતદેહો મળ્યા હતા તે બંને શખ્સની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તે પણ એક વગદાર રાજકીય પાર્ટીના નેતાના ઈશારે.
શું હતી સંપૂર્ણ ઘટના: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી ગત સોમવારે હત્યા કરાયેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા.કબ્રસ્તાનની રખવાળી કરતા માણસે નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં દેખરેખ સમયે જમીન પર લીસોટાના નિશાન દેખાયા હતા અને કંઈક અજગતું થયું હોવાનું લાગતા તપાસ કરતા તાજી ખોદેલી કબર દેખાઈ હતી અને તે કબર પર પતરા પણ ગોઠવેલા હતા. શંકા વધુ પ્રબળ લાગતા તેણે ગ્રામજનોને જાણ કરી હતી અને લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ઉમરપાડા પોલીસને બોલાવવામાં આવી હતી. ઉમરપાડા પોલીસ સ્થળ પર પહોંચી તાલુકા પ્રાંત અધિકારી, સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી. કબરમાંથી એક સાથે બે મૃતદેહ મળી આવ્યા હતાં. બન્ને મૃતદેહને કબરની બહાર કાઢી તપાસ કરતા બન્નેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા કરવામાં આવ્યા હોવાનું જણાયું હતુ અનેે ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બન્ને મૃતક સુરત શહેરના માથા ભારે ઈસમો: પોલીસ દ્વારા બન્નેના મૃતદેહની તપાસ કરાતા એકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેના ઘરના સભ્યનો મોબાઈલ નંબર હતો. જેથી પોલીસે તેમનો સંપર્ક કર્યો અને પરિવારજનોએ સ્થળ પર આવીને બન્ને મૃતદેહોની ઓળખ કરી હતી. જેમાં એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને બીજાનું યુવકનું નામ અઝરૃદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખ હોવાનું જાણવા મળ્યું હતું. બન્ને ઈસમો સુરત શહેરમાં માથા ભારે છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
મુખ્ય સુત્રધાર વિશે માહિતી મળી: પોલીસ દ્વારા પરિવારજનો તેમજ મૃતકોના સગા સબંધીઓની પૂછપરછ કરતા મૃતક બંને શખ્સ અફઝલ નામના ઇસમ સાથે સુરતથી ઉમરપાડા બાજુ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અફઝલની તપાસ શરુ કરી હતી, પરંતુ અફઝલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે શંકાના આધારે અફઝલ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેણે પકડવા માટેની આગળની કાર્યવાહી શરૂ કરી.
પોલીસના હાથે લાગી મહત્વની કડી: પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિએ સૌથી વધુ વાતચીત જે નંબર પર થઈ હતી એ મોબાઈલ નંબરની તપાસ કરતા જણાઈ આવ્યું કે આ નંબર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા ખુર્શીદ સૈયદનો હતો. પોલીસે તરત જ ખુર્શીદ સૈયદને દબોચી એલસીબી ઓફિસ ખાતે લાવી કડક પૂછપરછ કરતાં ખુર્શીદ સૈયદે તમામ વિગતો આપી. જેમાં તેણે જણાવ્યું કે, બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદને મારવા તેના જમાઈ અસ્લમ શેખ મારફતે અફઝલ શેખને 16 લાખની સોપારી આપી હતી અને પ્લાન ઘડ્યો હતો.
એક વર્ષ અગાઉ ઘડ્યો પ્લાન: 16 લાખની સોપારી લેનાર અફઝલ શેખે બિલાલને મારવા માટે અઝરૂદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખ સાથે દોસ્તી કરી હતી. અને અજરૂદ્દીન મારફતે બિલાલના સંપર્કમાં આવી મિત્રતા કરી તેને ફરવા માટે ઉમરપાડાના ઉચવાણ ગામે લઈ આવ્યો હતો. જ્યાં ખંઢેર હાલતમાં રહેલી એક ઓરડીમાં લઇ જઇ તીક્ષ્ણ હથિયારથી બિલાલનું ગળું કાપી તેની ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં થોડી કલાક બાદ અઝરૂદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખ ક્યાંક કોઈ બોલી દેશે અને ભાંડો ફૂટી જશે તેવા ડરથી અફઝલે અઝરૂદ્દીનને પણ ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આમ બે-બે હત્યા કરી આરોપી અફઝલ શેખ બન્નેને ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાં લઈ આવ્યો હતો અને ત્યાં જ બંનેને દાટીને ફરાર થઈ ગયો હતો.
શા માટે આપવામાં આવી સોપારી: એક વર્ષ અગાઉ મૃતક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને ઓવૈસીની AIMIMના સુરતના નેતા અને સોપારી આપનાર ખુર્શીદ સૈયદ વચ્ચે બબાલ થઈ હતી મૃતક બિલાલે ખુર્શીદ પર હુમલો કર્યો હતો. તેથી તેનો બદલો લેવાની ઈચ્છાએ તેણે મારી નાખવાનું નક્કી કર્યું હતું. અને સોપારી આપી અફઝલને કામ સોંપ્યું હતું.
હત્યા કરનાર અફઝલ હજુ પોલીસ પકડથી દૂર: સોપારી લઇને હત્યા કરનાર અફઝલ શેખ અને પ્રજ્ઞેશ દિલીપ ગામીત હજુ પોલીસ પકડથી દૂર છે. અફઝલ શેખ વિરૂદ્ધ હત્યા સહિતના 6 ગુનાઓ અને પ્રજ્ઞેશ દિલીપ ગામીત વિરૂદ્ધ પ્રાહીબીશન, જુગાર સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી હત્યાના આરોપી જાહેર કર્યા છે. આ ઉપરાંત આરોપી દ્વારા ઉપયોગમાં લીધેલા હથિયારો તેમજ અન્ય સમાન જેવા કે, અલ્ટો કાર, ચપ્પુ, આરોપીના કબજાની ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.