સુરત: કડોદરા જીઆઇડીસી પોલીસે DGVCL કચેરીના સ્ટોરમાંથી 7.64 લાખના કંડક્ટર (વીજ પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો વાયર) સગેવગે કરવાના મામલે નોંધાયેલી ફરિયાદમાં બે ઇજનેરો અને એક કોન્ટ્રાકટર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
ખાતાકીય તપાસ બાદ કાર્યવાહી: ગત 17 એપ્રિલના રોજ કડોદરા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર સમીર વિનોદભાઇ સોજીત્રા (રહે અંજની રો-હાઉસ, પટેલ પાર્કની બાજુમાં કામરેજ, જી.સુરત) થતાં કીમ વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર વિકાસ જયંતિલાલ મેવાડા (હાલ રહે 95, સંત જલારામ સોસાયટી, વેડરોડ, કતારગામ, સુરત)એ તેમના અંગત આર્થિક ફાયદા માટે એક બીજાની મદદ લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની માલિકના 55 સ્ક્વેરમીટર એલ્યુમિનિયમ કંડક્ટરના બે ડ્રમ જેની કિંમત રૂપિયા 7,64,522 સગેવગે કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે થયેલી ખાતાકીય તપાસ બાદ બુધવારના રોજ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં બંને સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી.
બે ઈજનેર અને કોન્ટ્રકટરની સંડોવણી બહાર આવી: પોલીસે બંને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો સાથે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ મળતી માહિતીના આધારે બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બંનેએ મેન્યુયલ ગેટ પાસમાં ખોટી માહિતી ભરી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તપાસ દરમિયાન આ મુદ્દામાલ તડકેશ્વર ગામ નજીક આવેલા આલોક ઇલેક્ટ્રો પ્રોજેકટ કોન્ટ્રાકટરના પ્રોપરાઇટર ધવલ લાલજીભાઈ પટેલ દ્વારા ભાડે રાખવામાં આવેલ સ્ટોરમાં ઉતારવામાં આવ્યા હતા તેવી માહિતી મળી હતી. આથી ધવલ પટેલની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે.
ડિજિટલની જગ્યાએ મેન્યુઅલ ગેટપાસનો ઉપયોગ કર્યો: બંને ઇજનેરોએ સામાનની છેતરપિંડી કરવા માટે મેન્યુઅલ ગેટ પાસનો ઉપયોગ કર્યો હતો. સ્ટોરમાંથી માલ બહાર લઈ જવા માટે ઇ-ઉર્જા એપ્લીકેશનમાંથી પાસવર્ડ જનરેટ કર્યા બાદ ડિજિટલ રૂપે પાસ ઇશ્યૂ થતાં હોય છે. જેમાં પકડાઈ જવાની બીકે બંને ઇજનેરોએ મેન્યૂઅલ પાસ બનાવી સમગ્ર પ્રકરણને અંજામ આપ્યો હતો. તપાસકર્તા અધિકારી સીપીઆઈ જેજી મોડે જણાવ્યું હતું કે, હાલ પોલીસ દ્વારા વીજ કંપનીના અન્ય કર્મચારીઓ અને સ્ટોરની આજુબાજુના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.