સુરત: આમ આદમી પાર્ટી વિવાદોનું ઘર બની ગઈ હોય એવું લાગે છે. એક પછી એક ઘણા નવા વિવાદો સામે આવી રહ્યાં છે. ત્યારે ફરી એક વાર સુરતના આપના બે કોર્પોરેટર સામે લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે.
10 લાખ રૂપિયાની લાંચ માંગી: સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માંગી છે. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા છે.
એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ: AAP કોર્પોરેટર પર લાંચની માંગણીના આક્ષેપ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે, એન્ટીકરપ્શન બ્યુરોમાં તેમના બે કોર્પોરેટરો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારીએ મળીને લાંચ માંગી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદ એન્ટીકરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર-17ના વિપુલ સુહાગીયા અને વોર્ડ નંબર-16ના કોર્પોરેટર જીતુ કાછડીયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે.
"તમારી ઉપર ગુનો દાખલ થશે": કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ કરનાર કોન્ટ્રાક્ટર હિતેશ કાળુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, "અમે SMCમાં પે એન્ડ પાર્ક ચલાવીએ છીએ. ત્યાં વેજીટેબલ માર્કેટ પણ છે,ત્યાં અમારા માણસો કરિયાણાનો સામાન મુકેલો. આ બાબતે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો અહીંયા આવ્યા હતા. જીતેન્દ્રભાઈ કાછડીયા અને વિપુલભાઈ પાર્કિંગમાં રાઉન્ડ મારી કીધું કે અહીંયા સામાન તમે મૂકેલું છે, અમે કીધું આ મારા માણસોનો સામાન છે. તેઓએ કીધું તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે. તમારી ઉપર ગુનો દાખલ થશે, ખંડણીની કલમો લાગશે. આ બાબતે અમે તેમના મિત્રને પણ બોલાવ્યા હતા અને મને કીધું કે, કોર્પોરેટરો તકરાર કરે છે તમે મળી લો".