રાજકોટ: થોડા દિવસો પહેલા ઉપલેટાનાં ઔદ્યોગિક એકમ વિસ્તારમાં કોલેરાના શંકાસ્પદ કેસો મળી આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 5 જેટલા બાળકોના મોત પણ નિપજ્યા છે જેને લઈને આખરે રહી રહીને તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા કારખાના વિસ્તારમાં કોલેરાનો રોગ ફેલાતો અટકાવવા માટે ધન્વંતરી રથ પહોંચી ગયો છે. આ તપાસમાં ડોક્ટર, લેબ ટેકનીશીયન સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ ઔદ્યોગિક એકમ વિસ્તારમાં જઈને સ્થળ ઉપર સારવાર અને જરૂર જણાય તેવા દર્દીઓની લેબોરેટરી તપાસ પણ કરી રહી છે.
તંત્ર દ્વારા સારવાર માટેના પગલાં: આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધન્વંતરી ડોક્ટર રવિના અને એમની ટીમ વધારેમાં વધારે દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. તેઓ લોકોને પાણીજન્ય રોગચાળાથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોવાનું સમજાવી રહ્યાં છે તેમજ જો કોઈપણ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે તો તરત ધન્વંતરી ટીમ અથવા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે એવો અનુરોધ કરાયો છે. આ કામગીરી માટે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નયન લાડાણી અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સમીર રાવલ પણ સઘન કામગીરી કરી રહ્યા છે
ધન્વંતરી રથ મોકલાયા: ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉપલેટાનાં ઔદ્યોગિક વિસ્તારમાં કોલેરાનાં શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા. ગત રવિવારે કલેક્ટર પ્રભવ જોશી અને આરોગ્ય વિભાગની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. આ દરમિયાન કોલેરાનાં કારણે 4 બાળકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ગઈકાલે કોલેરાથી વધુ એક મોત પણ નિપજ્યું હતું. જેને લઈને આખરે તંત્ર જાગ્યું છે. અને આજે ઉપલેટાનાં ઔદ્યોગિક એકમ વિસ્તારમાં અર્થે ધન્વંતરી રથ મોકલી દેવામાં આવ્યો છે. જેમાં તૈનાત મેડિકલ સ્ટાફ અને ડૉક્ટર્સ દ્વારા કોલેરાનો ફેલાવો અટકાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કોની બેદરકારી કોની જવાબદારી ? : અહીંયા બાળકોના મોત અને અહીં થયેલી વિસ્ફોટક ઘટનાને લઈને આગામી દિવસોની અંદર ETV BHARAT દ્વારા ઊંડાણપૂર્વક માહિતીઓ પ્રાપ્ત કરી અને આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોની અંદર આ સમગ્ર ઘટનામાં કોણ-કોણ જવાબદાર છે અને કોની કેવી ભૂમિકા છે તેને લઈને પણ વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવશે.