નવસારી: ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા સંજય બારીયા નામના TRB જવાન પિતા પર પોતાના 10 વર્ષના પુત્રની હત્યા કરીને ફરાર થઈ જવાનો આરોપ લાગ્યો છે અને આ આરોપમાં નવસારી પોલીસ તેને શોધવામાં લાગી છે. આરોપી પિતા સંજય બારીયા પોતાના પુત્ર વંશને લઈ ઘરેથી નીકળ્યો હતો અને નવસારીના મોટા બજાર સ્થિત ટ્રાફિક ભવન લઈ આવ્યો હતો. જોકે, અહીંથી અચાનક બંને પિતા-પુત્ર ગાયબ થઈ ગયા હતા. મોડી રાત સુધી ઘરે ન પહોંચતા સંજય બારીયાની પત્નીએ ટ્રાફિક પોલીસને જાણ કરી હતી અને સંજય તથા તેના પુત્ર વંશને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં સંજયનું છેલ્લું લોકેશન ગણદેવી તરફનું મળ્યું હતુ. દરમિયાન પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
સ્ટોર રૂમમાંથી મળ્યો વંશનો મૃતદેહ: પોલીસ TRB જવાન સંજય બારીયાને શોધી રહી હતી, એ દરમિયાન ગઈકાલે શનિવારે બપોરે 3:40 વાગ્યે સંજયે તેની પત્નીને ફોન કરી જણાવ્યું કે, " વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના સ્ટોર રૂમ પર પહોંચી જા " પત્ની જ્યારે ટ્રાફિક ભવન પહોંચી અને પોલીસને વાત કરતા સ્ટોર રૂમનો દરવાજો તોડવામાં આવ્યો તો વંશ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોતાના લાડકાને મૃત જોઈ માતાના હોંશ ઉડી ગયા હતા.
આરોપી પિતા ફરાર: ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે સંજય પાસે અલગ-અલગ 5 મોબાઇલ નંબર હોવાનું ખુલતા, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે જ LCB, SOG સહિતની એજન્સીઓ સાથે પોલીસની અલગ-અલગ ટીમ બનાવી હત્યારા પિતા સંજય બારીયાને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પુત્રની હત્યાનો આરોપ ? TRB જવાન સંજય બારીયાએ પોતાના પુત્રની હત્યા કરી છે કે કેમં તે અંગેનું કારણ શોધવા પોલીસ મથી રહી છે. ઘટના સ્થળેથી પોલીસને ઝેરી દવાની બોટલ, મોબાઈલ ફોન, ગોગલ્સ સાથે જ કોલ્ડ્રીંક્સ અને જ્યુસની બોટલ પણ મળી આવી હતી. જ્યારે વંશના ગળામાં પીળા રંગની નાયલોન દોરી હોવાથી, પ્રાથમિક તબક્કે સંજયે પુત્ર વંશને ઝેર આપ્યા બાદ નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે સમગ્ર ઘટનામાં પોસ્ટમોર્ટમ બાદ હકીકત સામે આવશે.
પ્રેમ સંબધ કારણભૂત: બીજી તરફ સંજયનું ટ્રાફિક વિભાગમાં જ કામ કરતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, એના કારણે પત્ની અને પ્રેમિકા વચ્ચે સર્જાયેલા વિવાદમાં સંજયે પુત્રની હત્યા કરી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ થીયરી સાથે પણ પોલીસે તપાસ આગળ વધારી છે. જોકે સંજય પકડાયા બાદ જ પુત્રની હત્યા પાછળનું ખરૂ કારણ જાણી શકાશે.