રાજકોટ: લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કલેક્ટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર દ્વારા 50થી વધુ નાયબ મામલતદારોની સામૂહિક આંતરિક બદલીઓના ઓર્ડરો કાઢવામાં આવ્યા છે. જેમાં ચોમાસાના પગલે 15 નાયબ મામલતદારોને ડિઝાસ્ટર વિભાગમાં મૂકવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ એક સાથે 50 જેટલા નાયબ મામલતદારોની બદલી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા બદલીના ઓર્ડર અપાયા: આગામી ચોમાસા ઋતુ દરમિયાન વાવાઝોડુ, પૂર, અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલા માટે જિલ્લા-તાલુકા કક્ષાએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા અને રાજકોટ સહિત રાજયના 33 જિલ્લાઓ તથા 271 તાલુકાઓમાં હંગામી મહેકમ તા.30/11 સુધીનું મંજૂર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા આ બદલીના ઓર્ડરો ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે.
નાયબ મામલતદારોને અપાઇ જવાબદારી: જિલ્લા પૂરવઠા કચેરીમાં પૂરવઠા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેજ પાનસુરીયાને કલેક્ટર કચેરીની ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે રાજકોટ પ્રાંત-2 કચેરીના ભાવીન વૈષ્ણવને રાજકોટ શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી પડધરીના ધવલ ભીમજીયાણીને રાજકોટ શહેરની પશ્ચિમ મામલતદાર કચેરીમાં મૂકવામાં આવ્યા છે.
અધિકારીઓને વિવિધ સ્થળોએ ફરજ પર મૂકાયા: રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીના ભરત પરમારને આ જ કચેરીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મૂકાયા છે. જયારે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કિરીટસિંહ ઝાલાને આ જ કચેરીના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ સોંપવામાં આવી છે. કોટડાસાંગાણી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પવન પટેલને નવી મંજૂર થયેલી જગ્યા પર આ જ કચેરીમાં ફરજ સોંપવામાં આવી છે.
નાયબ મામલતદારોને અપાઇ નવી જવાબદારી: તે ઉપરાંત રાજકોટ શહેર પ્રાંત-1 કચેરીના નાયબ મામલતદાર મહેન્દ્ર ભાલોડીને આજ કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ સોંપવામાં આવી છે. જયારે પ્રાંત-2 કચેરીના ફરજ બજાવતા નાયબ મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમાને તેમની મૂળ જગ્યાએ પ્રાંત-2 કચેરીમાં શિરસ્તેદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરીમાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા અશ્વિન દોશીને કલેક્ટર કચેરીના જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે.