પોરબંદર : ખુશ્બુ ગુજરાત કી સ્લોગન તમને યાદ હશે, બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ટુરિઝમ ક્ષેત્રના વિકાસ કરવા માટે આ સ્લોગન તૈયાર કરવામાં આવ્યું હતું. હવે ગુજરાતની ખુશ્બુ ચોમેર ફેલાઈ રહી છે. બીજી તરફ માધવપુરના મેળામાં કચ્છના લોકસંગીતની ખુશ્બુ પણ લોકો માણી રહ્યા છે. લોકકલાને જીવંત રાખવાનો તથા કલાકારોને પ્રોત્સાહિત કરવાનો ગુજરાત સરકારનો આ અભિગમ લોકોને પસંદ આવી રહ્યો છે.
માધવપુરમાં રેલાયું કચ્છી લોકસંગીત : 17 એપ્રિલના રોજ માધવપુરના મેળાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શુભારંભ કરાયો હતો. વિશ્વપ્રસિદ્ધ માધવપુરના મેળામાં અનેક કલાકારો પોતાના પરફોર્મન્સ આપી રહ્યા છે. જેમાં ખાસ કચ્છી લોકસંગીતના સૂર માધવપુરના મેળામાં રેલાતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. ખાસ કચ્છથી આવેલા કલાકારોના આ કચ્છી લોકસંગીતનો લ્હાવો માધવપુર મેળાના મુલાકાતીઓને મળી રહ્યો છે. સરકારનો આભાર માનતા કલાકારોએ કહ્યું કે, આ પ્રકારનું આયોજન દર વર્ષે થતું રહે તો અનેક કલાકારોને પ્રોત્સાહન મળે અને તેઓની કલાની કદર સાચી રીતે થાય.
જોડીયા પાવાની જુગલબંધી : પોરબંદર જિલ્લાના માધવપુરમાં દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય કક્ષાના માધવપુર મેળામાં અનેક કલાકારો આવે છે. જેમાં કચ્છથી આવેલ બાલાભાઈ મારવાડાએ જણાવ્યું હતું કે, તેઓ પાંચ પેઢી લોકસંગીતની કળા સાથે જોડાયેલા છે. અનેક મેળામાં પોતાની કલા પ્રસ્તુત કરી ચૂક્યા છે. સિતાર, મંજીરા અને ઘડો ગમલો તથા જોડીયા પાવા સાથે તેમના ત્રણ સાથી કલાકાર કચ્છી લોકસંગીતમાં આરાધી વાણી રજૂ કરે છે. સરકાર દ્વારા આયોજિત માધવપુરના મેળામાં તેમને રોજગારી સહિત રહેવા તથા જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
ભક્તિ અને કલાનો અનોખો સંગમ : સંગીત એક એવી વસ્તુ છે કે જે સાંભળતા જ દિલ અને દિમાગ ફ્રેશ થઈ જાય છે. કચ્છનું લોકસંગીત જ્યારે સાંભળવામાં આવે ત્યારે લોકોને કચ્છની ધરાનું દ્રશ્ય યાદ આવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, તે ખરેખર સરાહનીય છે. ત્યારે પોરબંદર નજીકના માધવપુર મેળામાં પાંચ દિવસ સુધી આ કલાકારો કલા રજૂ કરશે. આ રીતે ભક્તિ અને કલા અનોખા સંગમ લોકોએ માણ્યો હતો. માધવપુરના મેળામાં શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.