જુનાગઢ: ઘેડ પંથક છેલ્લાં ત્રણ દાયકાથી સતત વગર વરસાદે પૂરનો સામનો કરી રહ્યું છે. ત્રણ દાયકા જુની ઘેડની આ સમસ્યા હવે નક્કર અને અંતિમ નિરાકરણ માગી રહી છે. 30 વર્ષથી ચાર તાલુકાના 30 કરતાં વધુ ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેનું નિરાકરણ આજે પણ સરકાર પાસે નથી.
30 વર્ષ જૂની સમસ્યા માંગે છે સમાધાન: જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ પાછલા 30 વર્ષથી વગર વરસાદે જળબંબાકાર બની રહ્યો છે. ઘેડનું ખમીર પાછલા ત્રણ દસકાથી ચોમાસા દરમિયાન પાણીમાં જીવી રહ્યું છે જેનું હવે કોઈ નક્કર સમાધાન આવે તો ઘેડને આ પાયાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે. પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ અને માંગરોળ આ પાંચ વિસ્તાર જુનાગઢ અને પોરબંદર લોકસભામાં આવતો ઘેડ પ્રદેશ આજે ૩૦ વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ માગી રહ્યો છે. ભૂતકાળમાં પ્રયાસો થયા હશે પરંતુ પ્રયાસો આગળ વધતા જોવા મળતા નથી જેને કારણે આજે પણ આ સમસ્યા ન માત્ર સરખી જ છે, પરંતુ દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ઘેડનું જનજીવન ચોમાસા દરમિયાન વેરવિખેર થયેલું જોવા મળે છે.
મોટાભાગની સમસ્યા સર્જતું પૂરનું પાણી: જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડતા અતિ ભારે વરસાદને કારણે ઓજત અને ભાદર નદીનું પૂર રકાબી જેવી ભૌગોલિક ભૂરચના ધરાવતા ઘેડ પંથકમાં ફરી વળે છે. જેને કારણે ઘેડ વિસ્તારમાં વગર વરસાદે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. 30 કરતાં વધુ ગામડાઓ નદી કાંઠે આવેલા હોવાને કારણે ભાદર અને ઓજત નદીની સુરક્ષા દિવાલ તૂટી જાય છે, જેને કારણે વરસાદનું પાણી નદીમાં પ્રવાહી થવાને બદલે ગામ તરફ નવું વહેણ ઊભું કરે છે. જેથી મોટાભાગના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે.
શું છે સમાધાન: જો નદી પરની સુરક્ષા દિવાલ બનાવવામાં આવે તો પણ ઘેડની આ સમસ્યા થોડે ઘણે અંશે નિવારી શકાય તેમ છે. વધુમાં નદીના પટને પહોળો કરવાથી પણ નદીના પાણીની સંગ્રહ ક્ષમતા વધવાની શક્યતા છે જેને પગલે પણ પાણીનો મોટો જથ્થો નદીના પટમાં સુરક્ષિત સચવાશે અને ઘેડમાં પૂરનું પાણી ઓછું આવશે. ઉપરાંત અંતિમ પ્રયાસ રૂપે ભાદર અને ઓજત નદીના પટમાં સુરક્ષિત જગ્યા પર ડેમ બનાવવામાં આવે તો પણ પૂરનું વધારાનું પાણી આ ડેમમાં સંગ્રહિત થશે જેને પરિણામે ઘેડ પંથક દર વર્ષે જળ બંબાકારની મુશ્કેલ પરિસ્થિતિ માંથી મુક્તિ મેળવી શકશે.