જૂનાગઢ: આગામી સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનામાં આ 5 સોમવારનો યોગ 72 વર્ષ પછી બની રહ્યો છે. શ્રાવણ મહિનાનો પહેલો અને અંતિમ દિવસ પણ સોમવાર આવે છે. જેને કારણે પણ શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે. ત્યારે શ્રાવણ મહિના દરમિયાન શિવની કઈ રીતે પૂજા અને અભિષેક કરવાથી મનવાંચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય તેને લઈને શિવ ઉપાસકો દ્વારા પૂજાવિધિ દર્શાવવામાં આવી છે.
શ્રાવણ મહિનામાં 72 વર્ષ બાદ અનોખો સહયોગ: આગામી સોમવાર અને તા. 5મી શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવવાની સાથે મહિનાની શરૂઆત અને અંતિમ દિવસ પણ સોમવાર છે. આ પ્રકારનો ખૂબ જ સંયોગીક યોગ 72 વર્ષ પછી આવી રહ્યો છે. જેને કારણે શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમૃત સિદ્ધિ પ્રીતિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ પણ બની રહ્યો છે. જેને કારણે શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો દ્વારા મહાદેવની પૂજા અને અભિષેક કરવાથી મનવાંચ્છિત ફળ મળે છે. જેને લઈને શ્રાવણ માસના આ સમય દરમિયાન શિવભક્તો મહાદેવની કૃપા શિવભક્તી દ્વારા પ્રાપ્ત કરી શકે છે.
શિવને પ્રિય છે શ્રાવણ અને સોમવાર: શિવપુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ દેવાધિદેવ મહાદેવને શ્રાવણ માસ અતિપ્રિય છે. તેમાં પણ સોમવારનો દિવસ મહાદેવને અનહદ પ્રિય છે. ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવારની સાથે મહિનાની શરૂઆત અને અંતિમ દિવસ પણ સોમવાર છે. જેથી આ મહિનો શિવ ઉપાસકો માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા મહાદેવને શેરડીનો રસ, દૂધ, મધ, અને પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવે તેમજ શિવની ઉપાસના શિવ મહિમન સ્ત્રોત અને તાંડવ સ્ત્રોતથી કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા પ્રત્યેક શિવ ભક્ત પર આવે છે.
જળાભિષેક અને બિલ્વ અભિષેક: 32 કોટી દેવતાઓમાં મહાદેવ એકમાત્ર એવા દેવ છે કે જેને માત્ર જળનો અભિષેક કરવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય શ્રાવણ મહિનામાં મહાદેવ પર બિલ્વપત્ર અભિષેક કરવાથી પણ શિવભક્તને મહાદેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. બિલ્વપત્રો ત્રણેય જન્મના પાપોનો નાશ કરવાની સાથે શ્રાવણ મહિનામાં મહાદેવ પરનો અભિષેક કરવાથી અઘોર પાપનો પણ નાશ થતો હોય છે. તેવો શિવ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. બિલ્વપત્રમાં 3 પર્ણ હોય છે જેને ત્રિગુણી માયાની રચના તરીકે પણ ઓળખવામાં આવે છે. જો પ્રત્યેક શિવ ભક્ત તેની ત્રણેય માયાઓ બિલ્વપત્રના રૂપમાં દેવાધિદેવ મહાદેવ પર અભિષેક કરીને શિવ ભક્તિમાં તલ્લીન થાય તો મહાદેવ શ્રાવણ મહિનામાં પ્રત્યેક શિવ ભક્તોનું કલ્યાણ કરતાં હોય છે.