રાજકોટ : ગત 1 મેના રોજ રાત્રીના સમયે નવાગામમાં આવેલા ગોડાઉનમાં બનેલી ઘટનામાં 17 વર્ષના સગીરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. પરંતુ મૃતકાના પરિવારનો આક્ષેપ હતો કે, આ હત્યા હતી. સાથે જ પરિવારજનોએ CCTV ફૂટેજ પણ પુરાવા તરીકે આપ્યા હતા.
યુવકનું શંકાસ્પદ મોત : 17 વર્ષના સગીરનું મોત હાર્ટ એટેકથી નહીં, પરંતુ તેની હત્યા થઈ હોવાનો દાવો કરનાર મૃતકના પરિવારજનો દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તેમના સગીર દીકરાને કારખાનામાં જ બેઠેલા અન્ય એક વ્યક્તિએ કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસ કમિશનર સહિતને રજુઆત કરવા પરિવારજનો દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ ન્યાય ન મળતા હવે તેઓ મીડિયા સમક્ષ આવ્યા અને ન્યાયની માંગ કરી હતી.
પરિજનોનો ચોંકાવનારો આક્ષેપ : પરિવારજનો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેના આધારે 17 વર્ષના હર્ષિલ કમલેશભાઈ ગોરીની હત્યા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યા બાદ પણ અભિપ્રાય આપ્યો કે, હર્ષિલ ગોરીનું મૃત્યુ બ્રેઇન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઇલ્યોરથી થયું છે. આ બધી બાબતો ગોરી પરિવારે કુવાડવા રોડ પોલીસ અને રાજકોટના પોલીસ કમિશનરને લેખિતમાં આપી હતી.
એ દિવસે શું બન્યું હતું ? મૃતકના માતા કમળાબેન ગોરીએ જણાવ્યું હતું કે, 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતો હતો. ગત 1 મેના રોજ રાત્રીના લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો, ત્યારે ગોડાઉનની ઓફિસમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો, જોકે પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો હતો. બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર વાગ્યો, માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો.
આ સમયે આસપાસમાંથી પણ લોકો દોડી આવ્યા, જે વ્યક્તિએ ઘા માર્યો હતો તે પણ ત્યાં આવ્યો અને હર્ષિલને પાણી પીવડાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. જોકે ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. તબીબોએ હર્ષિલને મૃત્યુ જાહેર કર્યો હતો. પોલીસ ફરિયાદ લેવાનું ટાળી રહી હતી.
પોલીસ કાર્યવાહી : ACP ભાવેશ જાધવે જણાવ્યું કે, CCTV સામે આવ્યા બાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં સુશીલ હેરમા નામના શખ્સ સામે સા-અપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગત 1 મેના રોજ સુશીલે મૃતક હર્ષિલ ગોરી પર મોબાઈલનો ઘા કર્યો હતો. જેના કારણે પડી જવાથી હર્ષિલનું હેમરેજ થતા મોત થયું હતું. ACP ભાવેશ જાધવે વધુમાં જણાવ્યું કે, કોઈ પોલીસકર્મીની બેદરકારી હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.