જૂનાગઢ: લીંબુના બજાર ભાવોમાં પણ વરસાદે વધારો કરી આપ્યો છે. પાછલા 1 અઠવાડિયાથી જે રીતે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટેભાગે વરસાદ પડી રહ્યો છે. તેને કારણે લીંબુની આવકમાં ઘટાડો થતાં અચાનક બજાર ભાવો ઊંચકાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે રુ. 120 થી લઈને 150 પ્રતિ કિલોના ભાવે જથ્થાબંધ બજારમાં લીંબુની જાહેર હરાજી થઈ હતી.
વરસાદને કારણે લીંબુ થયા મોંઘા: પાછલા 1 અઠવાડિયા થી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જેની સૌથી વિપરીત અસર દરરોજ ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો પર જોવા મળી રહે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ 1 કિલો જથ્થાબંધ બજારમાં લીંબુના ભાવ 120 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આ સમયે લીંબુના જથ્થાબંધ બજારભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા પ્રતિ 1 કિલો બોલાતા હોય છે. પરંતુ વરસાદને કારણે જથ્થાબંધ બજારમાં પ્રતિ 1 કિલો લીંબુનો ભાવ 120 થી લઈને 150 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે.
લીંબુના પીઠામાંથી આવકો મર્યાદિત: સૌરાષ્ટ્રના ભાવનગરના શિવપુર અને અમદાવાદ વિસ્તારમાંથી લીંબુની ખૂબ મોટા પ્રમાણમાં આવક થતી હોય છે. પરંતુ વરસાદને કારણે લીંબુના પાકમાં પણ વિપરીત અસરો જોવા મળી છે. ત્યારે પાછલા 1 અઠવાડિયાથી સતત વરસાદી વાતાવરણ હોવાને કારણે પણ ખેડૂતો કે ખેત મજૂરો ખેતરમાં જઈ શકતા નથી. જેને કારણે લીંબુનો તૈયાર પાક બજારમાં હજુ સુધી આવ્યો નથી. હાલ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં લીંબુનો પુરવઠો જો પૂર્વવત થશે. તો પ્રતિ 1 કિલો લીંબુના બજાર ભાવોમાં 30 થી લઈને 50 રૂપિયા સુધીનો પ્રતિ 1 કિલોમાં ઘટાડો થઈ શકે છે.
જથ્થાબંધ બજારોમાં લીંબુના ભાવોમાં વધારો: હાલ પુરવઠો નહીં હોવાને કારણે જથ્થાબંધ બજારમાં પણ લીંબુના ભાવો ઐતિહાસિક જોવા મળી રહ્યા છે. 40 રૂપિયાના પ્રતિ 1 કિલો લીંબુ મળવા જોઈએ. તેની જગ્યા પર 5 રૂપિયાનું 1 લીંબુ બજારમાં મળી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ હજુ 1 અઠવાડિયા સુધી જળવાઈ તેવી પણ શક્યતા છે. ત્યારબાદ જેમ જેમ લીંબુની આવક થતી જશે. તેમ તેમ બજાર ભાવમાં ચોક્કસપણે ઘટાડો નોંધાઈ શકે છે. હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 700 થી લઈને 900 કિલો સુધી લીંબુ આવી રહ્યા છે. પાછલા દિવસોની સરખામણીએ તેમાં બે થી અઢી ટનનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે પણ બજાર ભાવ ઉંચકાઈ રહ્યા છે.