તાપી: જિલ્લામાં ગણેશજીની વિસર્જન યાત્રામાં કોમી એકતા જોવા મળી હતી. વ્યારા શહેરમાં આવેલ લાયન હાર્ટ ગ્રુપ દ્વારા ગણેશજીની પ્રતિમાનું ભક્તિ ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. જે વિસર્જન યાત્રામાં હિન્દુ બિરાદરો સાથે મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા. આ યાત્રામાં કોમી એકતા બની રહે એ ઉદ્દેશ્યથી વિસર્જન યાત્રામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા અને વાજતે ગાજતે નાચગાન કરતા હિન્દુ-મુસ્લિમ ભાઈઓ યાત્રામાં જોવા મળ્યા હતા.
હિન્દુ-મુસ્લિમે ત્રિરંગા રંગનો પહેરવેશ પહેર્યો: યાત્રામાં દેશના ત્રિરંગા રંગનો પહેરવેશ હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ પહેર્યો હતો. દેશમાં એકતા બની રહે તે ઉદેશ્ય સાથે યાત્રા નીકળી હતી. સુરત સહિત રાજ્યમાં ગણેશ ઉત્સવમાં થયેલા વિખવાદ વચ્ચે વ્યારા શહેરમાં નીકળેલી કોમી એકતાની આ વિસર્જન યાત્રા વ્યારા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દિલીપ જાદવ અને લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવની આગેવાનીમાં કાઢવામાં આવી હતી.
સર્વધર્મ સાથે બ્લડ ડોનેશન પણ કરે છે: મુસ્લિમ બિરાદરો દ્વારા ગણપતિ પંડાલથી ગણેશજીની પ્રતિમાને ઊંચકી ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આ યાત્રામાં હિન્દુુ-મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા. વ્યારા શહેરમાં આવેલ લાયન હાર્ટ ગ્રુપ સેવાકીય પ્રવૃતિઓ અને તાપી જિલ્લામાં આ ગ્રુપ બ્લડ ડોનેશન માટે પ્રખ્યાત છે. વ્યારા બ્લડ બેંકમાં હજારોની સંખ્યામાં બ્લડ ડોનેશનના કેમ્પ કરી બ્લડ બેંકમાં બ્લડની બોટલો જમા કરાવી ચૂક્યા છે. જેમાં સર્વે ધર્મના લોકો આ ગ્રુપની કામગીરી જોડાઇને સેવાકિય પ્રવૃતિઓ કરે છે.
દાદરી ફળિયાના સમીર શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે ગણપતિ ઉત્સવમાં વિખવાદ બાદ વ્યારા શહેરની એકતા અને શાંતિ ન ભંગ થાય તે માટે અમે બાપાના વિસર્જનમાં આવ્યા છે. લાયન ગ્રુપમાં હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકો ભેગા મળીને સેવાકીય પ્રવૃતિઓ કરે અને ધર્મમાં ભેદભાવ રાખતું નથી. આ ગ્રુપના અધ્યક્ષ અમારા સમાજના પ્રસંગો અને તહેવારોમાં શામેલ થાય તેથી અમે વાજતે ગાજતે ગણેશ વિસર્જનમાં જોડાયા છે.
આ પણ વાંચો: