જુનાગઢ: વંથલી તાલુકાનું શાપુર ગામ આજે ૪૧ વર્ષ પૂર્વે આવેલી જળ હોનારતને કારણે તારાજ થઈ ગયું હતું. 22જૂન 1983નો દિવસ શાપુર માટે આજે પણ ભયાનક માનવામાં આવે છે 24 કલાક દરમિયાન પડેલો 70 ઇંચ કરતાં વધુનો વરસાદ શાપુરને તબાહ કરવાનુ એકમાત્ર કારણ બન્યું. ઓજત નદીમાં આવેલા ભયાનક પુરના કારણે શાપુર પાણીમાં ગરકાવ થઈ ગયું. હજારો પશુઓની સાથે અનેક માનવ જિંદગી પૂરમાં તબાહ થતી જોવા મળી હતી. આજે ૪૧ વર્ષ બાદ પણ શાપુર હોનારતને નજરે જોનારા લોકો હોનારતની ભયાનકતા અને હોનારતે વેરેલા નુકસાનને આંખ સમક્ષ તરવરતું જોઈને ગમગીન બની જાય છે.
22 જૂન 1983માં આફત ત્રાટકી: શાપુર જળ હોનારતને આજે 41 વર્ષ જેટલો સમય વિતી ચુક્યો છે, પરંતુ શાપુર હોનારતના એ દિવસો યાદ કરીને આજે પણ શાપુર વાસીઓ ખૂબ જ ગમગીન બની જાય છે. 24 કલાકમાં અતિ ભારે વરસાદના કારણે શાપુર જળમગ્ન બન્યું હતું, જેમાં અનેક જીવોનો ભોગ લેવાયો હતો જેને કારણે 22મી જૂન આજે પણ શાપુર વાસીઓ માટે એક ગમગીનીનો દિવસ માનવામાં આવે છે
જળ હોનારતને નજરે જોનાર લોકો: 22મી જૂન 1983નો દિવસ પ્રત્યેક શાપુર વાસીઓ માટે જાણે કે જીવનનો ખૂબ જ ખરાબ દિવસ હોય તે પ્રકારનો અનુભવ કરાવી ગયો. અતિ ભારે વરસાદને કારણે શાપુર જળ પ્રલયમાં ફસાયેલું જોવા મળતુ હતુ. પશુ માનવ કે દરેક નાનામાં નાનો જીવ કુદરતના જળ તાંડવ સામે જાણે કે એકદમ લાચાર હોય તેવો અહેસાસ કરતા હતા. કોઈ પણ જીવ જળ તાંડવ માંથી પોતે બચી શકે તે માટેના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ કુદરતના તાંડવ સામે કેટલાંય જીવો હોમાઈ ગયા જેને આજે પણ શાપુર વાસીઓ ભૂલી શક્યા નથી
તે દિવસે શું થયું હતું: 22મી જૂન 1983ના દિવસે જળ તાંડવને કારણે શાપુર ગામ મટીને એક નદીમાં પરિવર્તિત થઈ ગયું હતું. 24 કલાક પૂર્વે નાના બાળકો પશુઓ અને સૌ કોઈ કિલ્લોલ કરતા પોતાના જીવનના યાદગાર દિવસો પસાર કરી રહ્યા હતા. બિલકુલ 24 કલાક બાદ આ જ સ્થળ ધસમસતી નદીમાં પરિવર્તિત થતું જોવા મળ્યું હતું. ૪૧ વર્ષ પૂર્વેની યાદોને ઈ ટીવી ભારત સમક્ષ વ્યક્ત કરતા મુકેશભાઈ કણસાગરા જણાવી રહ્યા છે, કે 24 કલાક પડેલા અતિ ભારે વરસાદને કારણે શાપુરના મોટાભાગના ઘર જળમગ્ન બની ગયા હતા. લોકો પોતાના જીવ બચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરતા હતા. કાચા પાકા અને નળિયાવાળા મકાન હોવાના કારણે ધસમસતો નદીનો પ્રવાહ શાપુર વાસીઓના આ સપનાના ઘરને થપાટ મારતાની સાથે જ તેનામાં પ્રવાહીત થઈને દૂર લઈ જતો હતો તે પણ શાપુર વાસીઓએ તેની નજર સમક્ષ નિહાળ્યું હતું.
ઇન્દિરા ગાંધીએ લીધી હતી મુલાકાત: શાપુર જળ હોનારતની ભયાનકતાને ધ્યાને રાખીને ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ શાપુર ગામની મુલાકાત લીધી હતી અને રાહત તેમજ બચાવ કામગીરીનું સ્વયંમ નિરીક્ષણ કરીને શાપુરના લોકોની મુશ્કેલી માં ઘટાડો થાય તે માટે સતત નિર્દેશો પણ આપ્યા હતા. વડાપ્રધાને સ્વયંમ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને જાન અને માલનું જે નુકસાન શાપુર વાસીઓને થયું છે તે ચૂકવવું ખૂબ જ મુશ્કેલ જણાતું હતું, તેમ છતાં તેમણે જિલ્લા વહીવટી તંત્રને આદેશ કર્યો હતો અને તમામ પૂર પીડિતોને તેમને થયેલા નાનામાં નાના નુકસાનની સરકાર મદદ કરી શકે તે માટે સતત કામ કરવાની સૂચના પણ આપી હતી.
ઇન્દિરા ગાંધીની મુલાકાત બાદ જે કોઈ પણ લોકોને જળ હોનારતથી જાનમાલનું નુકસાન થયું હતું તેને સરકાર દ્વારા ગણતરીના દિવસોમાં રાહત સહાય પણ આપવામાં આવી હતી. કુદરતની આ કારમી થપાટ શાપુર વાસીઓ માટે સરકારી સહાય ચોક્કસ પણે ડૂબતાને તણખલા સહારા સમાન લાગી હતી.
મુખ્ય ધારામાં સામેલ થયું શાપુર: 22 જૂન 1983ના દિવસે પૂરમાં તબાહ થયેલા શાપુર ફરી એક વખત મુખ્ય ધારામાં સામેલ કરવા માટે ન માત્ર સરકાર પરંતુ સામાજિક સંગઠનો એ પણ ખૂબ જ જુસ્સાથી કામ કર્યું. હોનારતના 24 કલાક બાદ શાપુર ગામમાં વીજળીનો પ્રવાહ પૂર્વત કરી દેવામાં આવ્યો હતો સામાજિક અને સરકારી સંગઠનો દ્વારા જળ પ્રલય બાદ કોઈ મહામારી ન ફેલાય તે માટે સફાઈ મહા અભિયાન પણ શરૂ કર્યું હતું. શાપુરને ફરી એક વખત મુખ્યધારામાં સામેલ કરવા ખૂબ સારી કામગીરી કરી હતી પુરને કારણે મોટાભાગના ઘરોમાં અનાજ અને ખોરાકની નુકસાની થવા પામી હતી પરંતુ સરકારના પ્રયાસોને કારણે જ્યાં સુધી સમગ્ર માનવ જીવન પુર્વવત ન બને ત્યાં સુધી સરકાર દ્વારા પ્રત્યેક વ્યક્તિ અને પશુને ભોજનની વ્યવસ્થા પણ કરાવી હતી.