જુનાગઢ: ઘેડ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાને જોડતો વિસ્તાર પાછલા ત્રણ દસકા દરમિયાન વરસાદી પૂરનો સામનો કરી રહ્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પુર બાદ સરકારી અધિકારી પ્રધાનોના હવાઈ નિરીક્ષણ અને ત્યારબાદ આપવામાં આવતા ઠાલા વચનો વચ્ચે આજે પણ ઘેડની સમસ્યાને દર વર્ષે વિકરાળ બનાવી રહ્યા છે. 30 વર્ષથી ઘેડનું માનવ જીવન ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદી પૂરની વચ્ચે આફતમા ફસાયેલું જોવા મળે છે. સરકારની રાહતની વાતોની વચ્ચે ઘેડનો પ્રત્યેક વ્યક્તિ આજે પોતાની કોઠાસૂઝથી ત્રણ દશકા જુની સમસ્યા માંથી પોતાની જાતને સ્વયંમ બહાર નીકાળી રહ્યા છે.
પુર બાદ સરકારનું હવાઈ નિરીક્ષણ અને રાહતની વાતો: પુર બાદ સરકારના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓની સાથે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર જુનાગઢ જિલ્લાના 30 કરતાં વધુ પૂર અસરગ્રસ્ત ઘેડ ગામોની મુલાકાત લે છે ગામ લોકોને મળે છે ગામના આગેવાનો સાથે બેઠક કરે છે. બેઠકમાં આ સમસ્યાનું નિરાકરણ સરકાર જલ્દીથી કરશે તેવા અધૂરા આશ્વાસન રૂપી વચનો આપીને પાછલા 30 વર્ષથી નીકળી જાય છે. ઘેડના લોકો આજે પણ આ સમસ્યાનું નિરાકરણ ઈચ્છી રહ્યા છે. જુનાગઢ અને પોરબંદર જિલ્લાના 30 કરતાં વધુ ઘેડના ગામોમાં અંદાજિત 40 થી 50 હજાર જેટલી વસ્તી ચોમાસાના ચાર મહિના દરમિયાન અસરગ્રસ્ત બને છે, પરંતુ સરકારના ઠાલા વચનો ઘેડની આ સમસ્યા સુધી આજે પણ પહોંચવામાં અપૂરતા સાબિત થયા છે. જેને કારણે હવે સ્વયમ ઘેડનો પ્રત્યેક વ્યક્તિ આ સમસ્યાને પોતીકી ગણીને તેનું સમાધાન પોતાની રીતે કાઢીને પુરના દિવસો દરમિયાન જીવન વ્યતીત કરે છે.
સરકારે બનાવી કમિટી: રાજ્ય સરકારે આ વર્ષે ઘેડમાં વરસાદી પૂરનો કઈ રીતે નિકાલ કરી શકાય તે માટે એક કમિટીની રચના કરી છે. જેમાં પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ પણ માનવામાં આવે છે. આ કમિટી રાજ્ય સરકારને ઘેડ વિસ્તારમાં આવતા વરસાદી પૂરની સામે કઈ રીતે નિરાકરણ લાવી શકાય તે માટે અભ્યાસ કરીને તેનો વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને મોકલશે, પરંતુ આ સમસ્યા સરકાર કરતાં વધારે સારી રીતે ઘેડના લોકો જાણે છે. આ સમસ્યાનું નિરાકરણ ઘેડના લોકો પાસે આજે પણ છે, પરંતુ સરકારે વધુ એક વખત કમિટી બનાવીને લોકોને ખાલી આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે. સરકારની કમિટી કાગળ પર રહી જશે અને આવતા વર્ષે જ્યારે ફરી ચોમાસા દરમિયાન આજ પ્રકારે વરસાદ પડશે તો ફરી એક વખત ઘેડ જળમગ્ન બનતું જોવા મળશે. જેમાં સરકારી કમિટીના કાગળો પૂરના પાણી ઉપર તરતા પણ જોવા મળી શકે છે.
ગામ લોકો સ્વયં કરે છે વ્યવસ્થા: પૂરના પાણીની વચ્ચે જીવતું ઘેડનું માનવજીવન ભોજનથી લઈને આકસ્મિક સ્થિતિમાં આરોગ્યની સેવાઓ માટે સ્વયં પોતાની કોઠાસૂજથી આજે પણ વ્યવસ્થા કરે છે. 30 વર્ષથી ઘેડમા પુર આવી રહ્યું છે, જેને કારણે પશુધન અને ઘરમાં રહેલી ચીજ વસ્તુઓને કઈ રીતે બચાવવી તેનું આયોજન અગાઉથી જ ઘેડના લોકો ચોમાસા દરમિયાન કરી રાખે છે. ઘર અને રસોડામાં ત્રણ ત્રણ ફૂટ પાણી હોવાથી પ્રત્યેક ઘરની અગાસી પર પૂરના સમયમાં રસોડું ધમધમે છે. ઘરમાં પૂરના સમય દરમિયાન ચાલી શકે તેટલું અનાજ, શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ રાખવામાં આવે છે. પ્રત્યેક ગામડામાં પશુધન હોવાને કારણે દૂધ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ દરેક ઘરમાં પોતાની માલિકીની હોય છે. જેથી દૂધ મેળવવાને લઈને કોઈ સમસ્યા થતી નથી, પરંતુ પૂરના સમયમાં કોઈ વ્યક્તિ બીમાર પડે, કોઈનું અવસાન થાય અથવા તો કોઈ પ્રસુતાને બાળકનો જન્મ થવાનો સમય નજીક આવે આવી પરિસ્થિતિમાં ઘેડની સાચી પરીક્ષા થાય છે. પરંતુ 30 વર્ષથી આ સમસ્યાને નજર સામે જોતા ઘેડનો પ્રત્યેક વ્યક્તિ આ મુશ્કેલ સમયમાંથી પણ પોતાની કોઠાસૂઝથી આજે બહાર નીકળી રહ્યો છે.