સુરત: રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ હવે સુરત ફાયર વિભાગ હરકતમાં છે. રોજ 200 થી 600 દુકાનો સીલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી પણ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. સુરત શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલા પુરોહિત લક્ઝરીયસ ડોરમેટરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી હતી. હોટલના અંડર ગ્રાઉન્ડમાં આ ડોરમેટરી બનાવવામાં આવી છે.
એસી ડોરમેટરી સીલ કરાઈ: ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિનેશ પુરોહિત સુરત શહેરમાં બે હોટલના માલિક છે. સુરત શહેરના ભરચક વિસ્તાર ગણાતા રેલવે સ્ટેશન રોડ પર દિનેશ પુરોહિતની એસી ડોરમેટરી આવેલી છે. આ ડોરમેટરીના ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે.
કોણ જવાબદાર: હોટલની અંદર અંડરગ્રાઉન્ડમાં ડોરમેટરી ઊભી કરવામાં આવી હતી આ ડોરમેટ્રીની અંદર 116 બેડ હતા. ડોરમેટરી માટે એક જ પ્રવેશ દ્વાર ઊભો કરવામાં આવ્યો હતો, એટલું જ નહીં ત્યાં ફાયર વિભાગ દ્વારા એનઓસી પણ લેવામાં આવી નહોતી. જેના કારણે ફાયર વિભાગ દ્વારા આ ડોરમેટરી સીલ કરવામાં આવી છે. પુરોહિને લક્ઝેરિયસ ડોરમેટરી શરૂ કરવા માટે પરવાનગી કોને આપી? જો અઘટિત ઘટના બને તો તેની પાછળ કોણ જવાબદાર રહેશે એ મોટો પ્રશ્ન છે. કારણ કે આ ડોરમેટરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે. એનઓસી વગર ચાલી રહેલ આ ડોરમેટ્રીમાં આગ લાગે તો તે માટે કોણ જવાબદાર રહેશે. અને અન્ય રાજ્યોથી આવતા યાત્રીઓ માટે આ ડોરમેટરીનો ઉપયોગ કરાતો હતો. એનઓસી માટે આવેદન કર્યું છે, જોકે આ સમગ્ર મામલે દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે, "ફાયર ના સાધનો છે પરંતુ એનઓસી માટે અમે આવેદન કર્યું છે".