ભુજ: કચ્છના સરહદી વિસ્તારમાં આજે સાંજે 5:05 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના-નાના આંચકાઓ આવવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે શનિવારની સાંજે 5:05 કલાકે વાગડ વિસ્તારના રાપર નજીક ભૂકંપના આંચકો નોંધાયો હતો.
2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના-નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સાંજે 5:05 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના રાપરથી 21 કિલોમીટર દૂર વેસ્ટ, સાઉથ - વેસ્ટમાં નોંધાયું છે.
ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો
ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલી ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી લઈને 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે ત્યારે આજે સાંજે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી .
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે, તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.