બનાસકાંઠા: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ આગળ વધે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયા શિક્ષણ પાછળ વાપરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત થઈ રહી છે, પરંતુ કેટલીક વાર એવી ઘટનાઓ શિક્ષણને લગતી સામે આવતી હોય છે જેના કારણે સમગ્ર શિક્ષણ જગત શર્મસાર થતું હોય છે. દાંતા વિસ્તારમાં એક શિક્ષિકા અમેરિકામાં રહેતી હોવા છતાં પણ પાનસા પ્રાથમિક શાળા ખાતે ઘણા વર્ષોથી અન્ય શિક્ષક ફરજ બચાવી પગાર લેતા હતા. તેની તપાસ તો હજુ ચાલી રહી હતી તે સમયે સરહદી વિસ્તારમાં પણ શિક્ષકને લઇ વિવાદ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી ઉચ્ચપા પ્રાથમિક શાળા ખાતે છેલ્લા બે વર્ષથી દર્શન પટેલ નામનો શિક્ષક ફરજ બજાવતો નથી. તેમ છતાં પણ બે વર્ષથી ઉચપા પ્રાથમિક શાળા ખાતે આ શિક્ષકની કાયમી હાજરી બોલાય છે.
વાલીઓએ અનેક વાર ઉચ્ચકક્ષાએ શિક્ષક બાબતે રજૂઆત કરી: ઉચ્ચપા ગામના લોકોનું માનવું છે કે, છેલ્લા બે વર્ષથી શાળામાં શિક્ષક હાજર નથી તેમ છતાં પણ શાળામાં કાયમી શિક્ષકની હાજરી બોલાય છે. બે વર્ષથી શિક્ષક ન હોવાના કારણે બાળકોના અભ્યાસ પર પણ મોટી અસર પડી રહી છે. આ બાબતે વાલીઓએ અનેક વાર ઉચ્ચકક્ષાએ શિક્ષક બાબતે રજૂઆત કરી હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ વિભાગને જાણે સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓની પડી જ ના હોય તેમ આ શિક્ષકની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આજે પણ છેલ્લા બે વર્ષથી ઉચપા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકની હાજરી સતત હાજર બોલી રહી છે જેના કારણે હાલમાં વિવાદ સામે આવ્યો છે. અને તાત્કાલિક ધોરણે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી અને અન્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવે તેવી હાલ વાલીઓ માંગ કરી રહ્યા છે.
શિક્ષક હાલમાં કેનેડા ખાતે રહેતા હોવાનું જણાવ્યું: આ અંગે ઉચ્ચપા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ બારોટે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આ શાળામાં દર્શન પટેલ નામના શિક્ષક હાજર નથી જેઓને અનેકવાર whatsapp મારફતે ફોન કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ હાલમાં કેનેડા ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ઉચ્ચપા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ બારોટ દ્વારા આ બાબતને લઈ જિલ્લા શિક્ષણ વિભાગમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ આજ દિન સુધી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે હાલમાં આ શાળામાં અન્ય શિક્ષક પણ આવી શકતા નથી પરિણામે તેની અસર બાળકોના અભ્યાસ પર જોવા મળી રહી છે.
Etv Bharat સાથે તાલુકા શિક્ષણ અધિકારી આર.વી બોચિયાએ ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે, 'પુષ્પા ગામે જે શિક્ષક હાજર નથી એ મામલે અમે નોટિસ આપી છે અને હાજર થવા માટે કાર્યવાહી કરી છે.'