તાપીઃ સોનગઢના હીરાવાડી ગામ પાસે એક ભયંકર અને ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક બેકાબૂ કાર ઝાડ સાથે ટકરાતા ઘટનાસ્થળે 3 અને સારવાર દરમિયાન 1 એમ કુલ 4ના કરુણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 2 મુસાફરો સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનાક્રમઃ સોનગઢના હીરાવાડી ગામ નજીક એક કાર પૂર ઝડપે જઈ રહી હતી. તે જ સમયે એક વૃદ્ધા માર્ગ ઓળંગી રહ્યા હતા. આ વૃદ્ધાને બચાવવા જતાં કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ થયેલ કાર અતિઝડપે એક ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસમાત એટલો ગંભીર હતો કે 3ના ઘટના સ્થળે મૃત્યુ થયા અને 1નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે 2 મુસાફરોની સઘન સારવાર વ્યારા હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતમાં રવિભૂષણ મિશ્રા જેઓ વાપી શહેરમાં ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત કારમાં સવાર 1 માતા અને 1 બાળકીનું પણ મૃત્યું થયું હતું. જે વૃદ્ધાને બચાવવા જતા આ જીવલેણ અકસ્માત થયો તે વૃદ્ધા પણ બચી શક્યા નહીં.
આજે હીરાવાડી ગામ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વૃદ્ધા પગપાળા રસ્તા પરથી જઈ રહ્યા હતા અને તેમને બચાવવા જતા ઈનોવા કાર ઝાડ સાથે ટકરાઇ હતી. જેમાં ઘટના સ્થળે 3 લોકોના મૃત્યુ અને સારવાર અર્થે ખસેડાયેલા અન્ય 4 લોકોમાંથી 1નું વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું છે. હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરમાં આવી રહી છે...ડી. એસ. ગઢવી(પીએસઆઈ, સોનગઢ પોલીસ સ્ટેશન)