તાપી: જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને પરિણામે ડેમમાં છેલ્લા વીસ દિવસથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં દસ ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હાલ 44 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને કારણે ડેમની સપાટી 316 ફૂટને પાર થઈ ગયું છે, પરંતુ હજુ પણ ડેમની સપાટી ગત વર્ષની સરખામણી એ આજની તારીખે 10 ફૂટ જેટલી ઓછી નોંધાઇ છે. જેને પગલે ડેમના સત્તાધીશો દ્વારા પાણી સંગ્રહ કરવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે.
ડેમનો નયનરમ્ય આકાશી નજારો: ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થવાને પગલે ડેમના સત્તાધીશો દ્વારા ડેમના આહલાદક વિડિયો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. ડેમના કેચમેન્ટ વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા ડેમનો નયનરમ્ય આકાશી નજારો સામે આવ્યો છે.
ડેમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 345 ફૂટ સુધી ભરાય: ઉકાઈ ડેમના કાર્ય પાલક ઇજનેર હેમંત ચૌધરીએ જણાવ્યું હતું કે, આજરોજ ઉકાઈ ડેમનું લેવલ 316.66 છે તથા ઇન્ફ્લો 44 હજાર છે. ગત વર્ષે આજના દિવસે ઉકાઈ ડેમનું લેવલ 327.14 હતું. છેલ્લા 20 દિવસમાં ઉકાઈ ડેમમાં 651 mcm જેટલું પાણી આવ્યું છે. એટલે આશરે 10 ફૂટ જેટલો ડેમ ભરાઈ ગયો છે. ચોમાસું સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી સક્રિય રહે છે જેના કારણે ડેમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 345 ફૂટ સુધી ભરાય જાય છે.