સુરત: ભીષણ ગરમી વચ્ચે પુરા શહેરના ડિંડોલી વિસ્તારમાં એક મહિલાનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 80 વર્ષીય વૃદ્ધાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
80 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ: વૃદ્ધા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે એટલું જ નહીં મેડિકલવાન મોકલી મહિલાના એપાર્ટમેન્ટના અન્ય લોકોની આરોગ્યલક્ષી તપાસ પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. એપાર્ટમેન્ટના રહીશોને ગાઇડલાઇનનું અનુસરણ કરવા માટે સૂચના આપવામાં આવી છે આ સાથે સ્વાઈન ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે જાગૃત કરવામાં આવ્યા છે.
લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર:
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરી ઘરે જણાવ્યું હતું કે જે લોકોને હાલ શરદી ખાંસીની તકલીફ હોય તે તાત્કાલિક સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય તો સાવચેતીના પગલાં લે અને તપાસ કરાવે. હાલ ડીંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતા પાલિકા દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યાંના સ્થાનિકોને ગાઇડલાઇનનું અનુસરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહિલા જે લોકોના સંપર્કમાં આવી છે તે લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે કોઈપણ લક્ષણ અન્ય લોકોમાં જોવા મળી આવ્યા નથી.
આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ બનાવીને સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ એક સીઝનલ ફ્લુ છે જેથી લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.