સુરતઃ VNSGUમાં પરીક્ષા દરમિયાન મહિલા સ્કવોડ દ્વારા ગેરવર્તનની ફરિયાદ થઈ હતી. જેમાં મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવા તેમજ પરીક્ષા ખંડમાં ટી-શર્ટ ઉપર કરાવવા જેવી હરકતો કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ફૂટેજના આધારે યુનિવર્સિટીની ફેકટ કમિટીએ મહિલા સ્કવોડ સામે જે ફરિયાદ કરવામાં આવી છે તેને યોગ્ય ગણી છે. હવે મહિલા સ્કવોડ વિરુદ્ધ પગલાં લેવાશે.
ફેક્ટ કમિટીની રચનાઃ મહિલા સ્કવોડના ગેરવર્તન અંગે VNSGUમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેથી યુનિવર્સિટીએ ફેક્ટ કમિટીની રચના કરીને આ મામલાની તપાસ કરવાના આદેશ કર્યા હતા. કમિટીની તપાસમાં મહિલા સ્કવોડના ગેરવર્તનના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. તેમણે મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના કપડાં પણ ઊંચા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ ખોટી ન હોવાથી ફેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે આ વર્તન સ્વીકાર્ય નથી. આ સમગ્ર મામલાની ફરિયાદ ભરુચ અને ગ્રામ્ય વિદ્યાર્થીઓએ કરી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની ટી-શર્ટ ઊંચી કરી મહિલા સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સ્કવોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. અગાઉ આ અંગે જે રીતે સત્તાધીશોએ ઉતાવળે નિવેદન આપ્યું હતું તે માત્ર અફવા છે અમે ફૂટેજ જોયા બાદ મહિલા સ્કવોડ સામે પગલા લઈશું.