સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એલએલબીની સેમેસ્ટર-5ની પરીક્ષામાં પરિણામ 60 ટકા જેટલું ઊંચું આવ્યું છે. પરિણામમાં આટલો મોટો ફેરફાર યુનિવર્સિટી દ્વારા એક્ઝામ અને ચેકિંગ મેથડમાં પરિવર્તનને આભારી હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. જો કે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે અગાઉ વિદ્યાર્થીઓએ ફરિયાદો પણ કરી હતી.
કુલપતિને આવેદન અપાયું હતુંઃ સુરતની VNSGUની પરીક્ષા પદ્ધતિ અને ખાસ કરીને ચેકિંગ સેલ દ્વારા આન્સરશીટ એસેસમેન્ટમાં ખોટી રીતે માર્કસ કાપી લેવાતા હોવાની મોટાપાયે ફરિયાદો થઈ હતી. આ અંગે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગયા પખવાડિયે કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆતો પણ કરી હતી. એલએલબીનો અભ્યાસ કરતા અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, એલએલબીમાં નીચું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ રિ એસેસમેન્ટ કરાવે તો તેમના માર્કસ વધી જતા હોવાના ઘણા કિસ્સા બન્યા છે. તેથી ચેકિંગ સેલ દ્વારા પેપર ચકાસણીમાં ખોટી રીતે માર્કસ કાપી લેવામાં આવતા હોવાની શંકા વર્તાઈ હતી. આ અંગે કુલપતિને રજૂઆત કરી પરીક્ષા પદ્ધતિ બદલવાની માંગ પણ કરવામાં આવી હતી.
શું કહે છે યુનિવર્સિટી તંત્ર?: VNSGUના સત્તાધીશો એલએલબી સેમેસ્ટર-5ની પરીક્ષાનું ઊંચું પરિણામ આવ્યું તેની પાછળ એક્ઝામ અને ચેકિંગ મેથડમાં ફેરફારને મુખ્ય કારણ ગણાવે છે. આ ઉપરાંત ચેકિંગ માટે ઓનલાઈન અને ઓફલાઈન સિસ્ટમનું પણ અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી કોલેજને પણ ગાઈડ લાઈન આપવામાં આવી હતી. જેના લીધે પણ વિદ્યાર્થીઓની ટકાવારી વધી છે.
કોરોના સમયને કારણે વિદ્યાર્થીઓની લેખન પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ હતી. જેની અસર પરિણામ પર દેખાતી હતી. આ ઉપરાંત ચેકિંગ માટે ઓનલાઈન-ઓફલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે. કોલેજોને પણ ગાઇડ લાઇન આપવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહેતાં પરિણામ પર અસર જોવા મળી છે. એલએલબીની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ વધીને 60 ટકા થયું છે...કિશોર સિંહ ચાવડા(કુલપતિ, VNSGU, સુરત)