સુરત : સમગ્ર ગુજરાતમાં આવનાર પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં સતત છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડિગ્રીએ પણ વધુ નોંધાઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલા સુરતમાં 21 મેના રોજ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વર્ષ 2024 માં 21 મેના રોજ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું છે. ગત પાંચ વર્ષમાં 20 મેના રોજ નોંધાયેલા તાપમાનની સરખામણીએ આ વખતે લગભગ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.
સુરત બન્યું અગનભઠ્ઠી : સુરતમાં લોકો આખરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરતનું 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર વલસાડમાં 40.6 અને નવસારીમાં 38.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન છે. તાપમાનમાં થયેલા સતત વધારાના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી થઈ રહી છે. શહેરનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું છે. હવામાનમાં ભેજનું પ્રમાણ દિવસે 45% અને રાત્રે 73% હતું. 23 મે સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયકલોનની શક્યતા દર્શાવી છે, જેની ગુજરાત પર આંશિક અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર મે મહિનાના અંતમાં વાવાઝોડું આવે તેવી શક્યતા છે. રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીથી રાહત નહીં મળે, હાલ તાપમાન 40 થી 45 ડિગ્રીની આસપાસ રહેશે. આગામી તારીખ 22 મે આસપાસ લો પ્રેશર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ 24 મે આસપાસ બંગાળની ખાડીની મધ્ય માટે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર હેઠળ વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે.