સુરત : શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. રેલવે સ્ટેશન ખાતે ત્રણ ઇસમો પોલીસને જોઈને બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગમાં તપાસ કરતા તેમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને કુખ્યાત આરોપી સહિત 3ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હથિયારની લે-વેચનો મામલો ? આ બનાવની મળતી વિગત મુજબ રાત્રીના સમયે રેલવે સ્ટેશન પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને જોઈને ત્રણ વ્યક્તિઓ બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ બેગની તપાસ કરતા તેમાંથી હથિયાર મળી આવ્યા હતા. બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી.
પિસ્તોલ અને કારતૂસ મળ્યા : આ સમગ્ર બનાવ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ગત તારીખ 18 જૂનના સુરત રેલ્વે સ્ટેશન ખાતે આશરે રાતે 3 વાગ્યાની આસપાસ પૂરી-સુરત ટ્રેન આવી હતી. જેમાં પ્લેટફોર્મ નંબર 1 પર આવવાના બ્રીજ ઉપર એક માણસ આવીને બીજા બે માણસોને બેગ આપી હતી. રાત્રી દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ જોતા ત્રણેય શખ્સો બેગ નાખીને ભાગી ગયા હતા.
ક્યાંથી આવ્યા હથિયાર ? આ બેગ પોલીસકર્મીઓએ ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી આ મામલે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં પૂરી-સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ હથિયાર લઈને આવ્યો હતો, તેનું નામ અમર સાળુંકે છે.
ત્રણ આરોપી ઝડપાયો : આરોપી જેને હથિયાર આપી રહ્યો હતો, તે દીપક શશીકાંત કુશ્વાહ અને કાર્તિક રાઠોડ હતા. સુરત રેલ્વે પોલીસ તથા LCB સુરત પશ્ચિમ રેલવેની ટીમે અમરોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપી અમર ઓમકાર સાળુંકે, શશીકાંત ઉર્ફે દીપક છોટેસિંગ કુશ્વાહ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ રાઠોડને ઝડપી પાડ્યા હતા.