સુરત : શહેરમાં ડીજીવીસીએલે સ્માર્ટ વીજ મીટર બેસાડવાની પ્રક્રિયા શરૂ કરતાં કાપોદ્રાની જીઇબી કોલોનીમાં ડેમો શરૂ કર્યો છે. મોબાઈલમાં પ્રિપેઇડ રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે આ સ્માર્ટ વીજ મીટરમાં વીજળી જોઇએ તે પ્રમાણે રીચાર્જ કરવાનું રહેશે અને તેના આધારે વીજ વપરાશ કરવામાં આવશે.
પાયલોટ પ્રોજેક્ટ શરૂ : સુરતના પાલ વિસ્તારમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને તે પછી તબક્કાવાર શહેરના તમામ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ માટે ગ્રાહકોને એકપણ રૂપિયો આપવાનો થતો નથી. તમામ ખર્ચો જીઈબી દ્વારા ઉઠાવવામાં આવશે.
પ્રિપેઈડ વીજમીટર લગાડવા માટે તજવીજ : દક્ષિણ ગુજરાત વીજકંપનીના 36 લાખ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ વીજમીટર લગાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મોબાઈલ ફોનમાં જે રીતે રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે વીજ વપરાશ માટે રિચાર્જ કરવાનું રહેશે. જેટલું રીચાર્જકરશો તે મુજબ વીજળીનો વપરાશ કરી શકશે. રીચાર્જપૂરું થતાં જ વીજળી ગુલ થઈ જશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે મોબાઈલધારકો રોજિંદા પોતાનો વપરાશ જોઈ શકે છે તેવી જ રીતે પ્રિપેઈડ મીટર લાગી ગયા બાદ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમ વીજધારકો પોતાનો રોજિંદો વપરાશ મોનિટરિંગ કરી શકશે. રોજેરોજ કેટલો વપરાશ થયો તેમજ કેટલો વીજ વપરાશ બાકી છે તે જાણી શકશે.
કર્મચારીઓની કોલોનીમાં પ્રિપેઈડ મીટર લગાડવામાં આવ્યાં : ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતના 36 લાખ વીજગ્રાહકો પૈકી 19 લાખ વીજગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ વીજમીટર લગાડાશે. સુરતમાં પ્રિપેઈડ વીજમીટર લગાડવાનો આરંભ કરી દેવાયો છે. સૌપ્રથમ ડીજીવીસીએલની કાપોદ્રા સ્થિત કોર્પોરેટ ઓફિસમાં આવેલી કર્મચારીઓની કોલોનીમાં પ્રિપેઈડ મીટર લગાડવામાં આવ્યા છે. હાલના તબક્કે વીજ કંપનીના કર્મચારીઓના ઘરે બંને મીટર લગાડાયા છે. બંને વીજમીટર લગાડીને વપરાશમાં કોઈ તફાવત તો આવતો નથી તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સતત 12 દિવસ સુધી મોનિટરિંગ કરાશે. ત્યારબાદ પીપલોદ વિસ્તારમાં પ્રિપેઈડ વીજ મીટર લગાડવાનો આરંભ કરાશે.