સુરત : જુલાઈ મહિનામાં સરથાણાથી અને ઓક્ટોબર મહિનામાં મોટા વરાછા સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ પાડી સુરત સાયબર સેલે સાયબર ગેંગને બેન્ક એકાઉન્ટ અને સિમ કાર્ડ ભાડે આપવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આખું રેકેટ દુબઈમાં બેસી સુરત-ગુજરાતનો મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને હિરેન પ્રવીણ બાબરીયા તથા સુરતના તેમનો મુખ્ય ઓપરેટર અજય ઇટાલિયા સંભાળતો હોવાનું બહાર આવ્યું હતું.
સાયબર ફ્રોડ નેટવર્કના આરોપી : ઓક્ટોબર મહિનામાં સુરત સાયબર સેલ પોલીસે અજય ઇટાલિયા, વિશાલ ઠુમ્મર અને જલ્પેશ નડિયાદરાને પકડયા હતા. રવિવારે મુંબઈ એરપોર્ટથી હિરેન બાબરિયાને દબોચ્યો હતો. આ ધરપકડ સાથે જ ભારતીયોને છેતરવા દુબઈમાં ચાઈનીઝ ગેંગ ઓપરેટર હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
કોર્પોરેટ સ્ટાઈલમાં ઠગાઈ : ચાઇનીઝ ગેંગની જેમ જ મિલન વાઘેલાએ પણ કોર્પોરેટ સ્ટાઇલમાં માણસો રાખ્યા હતા. જુલાઈ મહિનામાં જે આઠ વ્યક્તિ સરથાણા કેનેરા બેન્કની નીચેથી પકડાયા હતા, તેઓ 10-15 ટકા કમિશનથી લોકોના એકાઉન્ટ્સ ખરીદવાનું કામ કરતા હતા. જેમાં ફ્રોડના નાણાં જમા થતા હતા.
પગાર પ્લસ કમિશન : મોટા વરાછામાં જે ઓફિસ ઉભી કરાઈ હતી, તેમાં અજય ઇટાલિયા, હિરેન બાબરિયા, જલ્પેશ અને વિશાલ મહિનાના પગારથી નોકરીએ રાખ્યા હતા. અજય અને હિરેનને મહિને પચાસ હજારના પગાર ઉપરાંત જંગી કમિશન પણ મળતું હતું. જલ્પેશ અને વિશાલને મહિને 25 હજાર પગાર સાથે કમિશન મળતું હતું.
પૈસાની ગેરકાયદેસર લેવડદેવડ : જલ્પેશનું એકાઉન્ટ મળ્યું હતું, જેમાં 40 લાખનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હોવાથી પોલીસે બીજા ત્રણ આરોપીઓના બેંક એકાઉન્ટની પણ શોધખોળ હાથ ધરી છે. અજય ઇટાલિયા તેના સંબંધીઓના નામે એકાઉન્ટમાં નાણાં જમા કરાવતો હોવાની શંકા સાથે પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે.
દુબઈમાં નાણાં ઉપડાતા : ફ્રોડના નાણાં દુબઈમાં ઉપાડવામાં આવતા હતા. દુબઇથી રોજના એક લાખ દિરહામ ઉપાડી શકાય તેવી ગાઈડલાઈન હોવાથી ત્યાં પણ બેન્કમાંથી નાણાં ઉપાડવા માટે ખાસ માણસો રાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.