સુરત : સુરતના કીમ પોલીસની હદમાં ઓભલા ગામની સીમમાં ચાર યુવતીઓ મળી પાંચ શખ્સોએ રસ્તે કાર બગડી હોવાનું બહાનું બતાવી મદદનાં બહાને સચીનનાં મિલ માલિકની કાર થોભાવી હતી. પાંચેય શખ્સોએ પહેલા કાર ચાલકને માર મારી ઘેની પદાર્થ સુંઘાડી બેહોશ કરી દીધો હતો. ત્યારબાદ મિલ માલિક સાથે ઝપાઝપી કરી તેને પણ ઘેની પદાર્થ સુંઘાડી બેહોશ કરી તેમના શરીર પરના 28 લાખ રૂપિયાનાં સોનાનાં દાગીનાની દિલધડક લૂંટ કરી ટોળકી ભાગી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે...વી.આર ચોસલા ( પીએસઆઇ, કીમ પોલીસ મથક)
અજાણ્યાં શખ્સે ગાડી ઊભી રખાવી : પ્રાપ્ત માહિતી અનુસાર પાલ લેક, ગૌરવપથ રોડ, અડાજણ સુરત ખાતે સિલ્વર લીફ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ રાજમલ ગોયેલની સચીન ખાતે મિલ છે. તેઓ આજે મળશ્કે સુરત અડાજણથી ઓલપાડ તરફ આવી હાઇવે તરફ ભરૂચ જવા માટે પોતાની ફોર્ચ્યુનર કાર લઈને નિકળ્યા હતાં. મિલ માલિક મનોજ ગોયેલ કીમ પોલીસની હદમાં આવેલ ઓભલા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે સાયણથી કીમ તરફ જતા રોડ પર રસ્તાની બાજુમાં એક સફેદ કલરની ટાટા નેક્સોન કાર ઉભી હતી.જેના એક અજાણ્યાં શખ્સે હાથના ઇશારો કરી ગાડી ઊભી રખાવી હતી.
કારચાલકને બેહોશ કરી દીધો : મિલ માલિકની કારને એક અજાણ્યાં 35-40 વર્ષના શખ્સે હાથ કરી મિલ માલિકની ફોર્ચ્યુનર કારને ઉભી રખાવી હતી. આ સમયે ઉભેલી કારમાં ચાર સલ્વાર સુટ પહેરેલી 20થી 25 વર્ષની યુવતીઓ પણ હતી. નેક્સોન કારને ધક્કો મારવા માટે કહેતા મિલ માલિકનાં ચાલકે નીચે ઉતરી મદદે આવતા તેને પકડી લઇ આ ટોળકીએ ઝપાઝપી કરી કોઈ ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધો હતો.
મિલમાલિકને બેહોશ કરી લાખોના દાગીના લૂંટી લીધા : ત્યાર બાદ મિલ માલિક નીચે ઉતરતા તેને પણ હિન્દી ભાષા બોલતી યુવતીઓ સહિત અજાણ્યા ઈસમે માર મારી હાથમાં પહેરેલા સોનાના બ્રેસ્લેટ લુંટવાનો પ્રયાસ કરતા મિલ માલિકે પ્રતિકાર કર્યો હતો. જોકે તેમને પણ ઘેની પદાર્થ સુંઘાડી દઇ બેહોશ કરી દીધા હતા. ટોળકીએ મિલ માલિકે પહેરેલા ચાર બેસ્લેટ, બે સોનાની દ્રાક્ષની માળા, સાત સોનાની, સોનાની ચેઈન અને પેન્ડલ,. ગોલ્ડન ઘડીયાળ મળી કુલ ૨૮ લાખ રૂપિયાની સોનાનાં ઘરેણાની દિલધડક લુંટ કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવની કીમ પોલીસને જાણ થતા પીએસઆઈ વી.આર. ચોસલા બનાવનાં સ્થળે પહોંચી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે એલસીબી, એસઓજી પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલાને ઘટના સ્થળે દોડાવી તપાસ શરૂ કરાવી હતી.