સુરત : સુરત એલસીબી પોલીસે પરબ ગામની હદમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. સોમવારે પોલીસે ગુનો નોંધી 68 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે પરબ ગામની હદમાં આવેલ લક્ષ્મી બુક એન્ડ પ્રિન્ટીંગ ફેક્ટરીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને કુલ 68 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીઘો હતો.
નોટબુકોની ચોરી : પ્રાપ્ત માહિતી અનુસાર વરેલી ગામ ખાતે રહેતો ફુરખાન અલી નામનાં વ્યક્તિએ પરબ ગામની હદમાં ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ લક્ષ્મી બુક એન્ડ પ્રીન્ટીંગ ફેક્ટરીમાંથી નોટબુકોની ચોરી કરી જે નોટબુકોનાં સેમ્પલો લઇ વેચાણ કરવા માટે નિકળેલ છે અને હાલમાં પલ્સર મો.સા.નં.જીજે-05-એચએફ-6087 લઈને નવાગામ ઉદ્યોગનગર બ્રિજની નીચે ઉભેલ હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી.
ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો : હરકતમાં આવેલા એલસીબી પીઆઇ આર. બી. ભટોળનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ પર પહોંચી જઇ સદર આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે જેની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ પૈકી 28 હજાર 593 કિંમતની ૯૧૫ નંગ નોટબુક, 35 હજાર કિંમતની મોટર સાઇકલ, 5 હજાર કિંમતનો એક મોબાઇલ ફોન અને 170 રોકડા મળી પોલીસે કુલ 68 હજાર 763 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન : હાલ પોલીસે ફુરખાનઅલી ઇસરતઅલી ઉ.વ.28 હાલ રહે વરેલી ગામ તા.પલસાણા મુળ રહે ગોરાબજાર સિવિલલાઇન તા.મુરાદાબાદ (યુપી)ની અટક કરી જેને કામરેજ પોલીસને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. સુરત જિલ્લા એલસીબી પીઆઇ આર.બી ભટોળએ જણાવ્યું હતું કે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. તે ચોક્કસ બાતમીના આધારે કામરેજના નવાગામ ખાતેથી પોલીસે નોટબુક ચોરી કરનાર આ આરોપીને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.