સુરત : ઉધના યાર્ડ રતનચોક ખાતે રહેતા 79 વર્ષના મોહન મોરારભાઈ પટેલે જાન્યુઆરી 2014માં ઉધના યાર્ડ નવાનગર ખાતે ગ્રાઉન્ડ પ્લસ એક માળની મિલકત રૂ.11 લાખમાં ખરીદી હતી અને તેનો વેચાણ દસ્તાવેજ પણ બનાવ્યો હતો. મોહન પટેલે મિલકત ઉપર ઐયુબ કૈયુમ નામના કોન્ટ્રાકટરને મિલકતના સમારકામ માટે અને એક માળ બનાવવા માટે 2.80 લાખમાં કોન્ટ્રાકટ આપ્યો હતો. મિલકતનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન મિલકત ઉપર સ્થાનિક વિસ્તારનાં દિવ્યેશ સુરેશ વરોડીયાની દાનત બગડી હતી અને તેણે નામદાર કોર્ટમાં દાવો કરી કોર્ટ કમિશન કરી મિલકત કબ્જે લીધી હતી.
કબ્જો મેળવા ધાકધમકી આપી : દિવ્યેશે કોર્ટમાં મોહનભાઈ સાથે ભાગીદારીમાં મિલકત ખરીદવા માટે ટુકડે ટુકડે રૂપિયા 6.75 લાખ રુપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપી દિવ્યેશ પુરાવા રજુ કરી શક્યો ન હતો. જેથી નામદાર કોર્ટે તેનો દાવો રદ કરી મોહન પટેલની તરફેણમાં હુકમ કર્યો હતો. તેમ છતાં દિવ્યેશએ મિલકત ખાલી નહીં કરી કબ્જો મેળવવા ધાકધમકી આપતાં ગુનો નોધાયો હતો.જોકે આરોપી દિવ્યેશ સુરેશ વરોડીયા નામદાર કોર્ટના હુકમ સામે ઉપલી કોર્ટમાં અપીલમાં ગયો હતો.
જિલ્લા કલેક્ટરનો હુકમ કામ આવ્યો : હુકમના આધારે પોલીસે મોહન પટેલની ફરિયાદ લિંબાયત પોલીસ ઇન્સ્પેકટર વી.એ.જોગરાનાએ જણાવ્યું હતું કે, દિવ્યેશે કોર્ટના હુકમનું પાલન નહીં કરી ઉપલી કોર્ટમાં દાવો કરી સમય પસાર કર્યો હતો. દિવ્યેશે મિલકત ઉપર ધાકધમકી આપી ગેરકાયદે કબ્જો કર્યો હતો. આખરે મોહન પટેલે જિલ્લા કલેકટરમાં વરોડીયા વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જિલ્લા કલેકટરના હુકમના આધારે પોલીસે મોહન પટેલની ફરિયાદ લઈ દિવ્યેશ વરોડીયા સામે લેન્ડ ગ્રેબિંંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.