સુરત : ગત 30 જુલાઈના રોજ નમાઝ અદા કરીને બહાર નીકળેલા આરીફ કુરેશી નામના બિલ્ડરની જાહેરમાં હત્યા કરાઈ હતી. જ્યાં ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
બે હત્યારા ઝડપાયા : સુરતના અઠવામાં બિલ્ડરની હત્યા મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે આરોપી ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઇ ફારુક તલ્લોઈ અને તબરેજ મુલ્લા ઉર્ફે તલ્લોઇ ફારુક તલ્લોઇની ધરપકડ કરી છે. પૈસાની લેતીદેતીમાં બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બિલ્ડરની જાહેરમાં હત્યા : આ બાબતે સુરત પોલીસ ACP વિજય મનોદરાએ જણાવ્યું કે, ગત 30 જુલાઈના રોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સગરામપુરા તલાવડી પાસે 55 વર્ષીય આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. જે વ્યવસાય તરીકે પોતે બિલ્ડર હતા. તેમના પુત્ર દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, તેમના પિતાની ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઇ ફારુક તલ્લોઈ અને તબરેજ મુલ્લા ઉર્ફે તલ્લોઇ ફારુક તલ્લોઇએ જાહેરમાં પાઈપ અને છરીના ઘા મારી હત્યા કરી છે.
ખંડણી અને હત્યાનો મામલો : જેના અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે તમામ પુરાવા એકત્રિત કરી આજરોજ આરોપી ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઇ ફારુક તલ્લોઈ અને તબરેજ મુલ્લા ઉર્ફે તલ્લોઇ ફારુક તલ્લોઇની ધરપકડ કરી છે. ઉપરાંત ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સગરામપુરા વિસ્તારમાં આવેલા આશુતોષ હોસ્પિટલની સામે એક જમીન જે તેમના પિતાએ રાખી હતી. જે જમીન ઉપર બાંધકામ કરવા માટે પકડાયે બંને આરોપીઓ પૈસા માંગતા હતા અને મૃતકે પૈસા ન આપતા, આ હત્યા કરવામાં આવી હતી.
હત્યારાની કબૂલાત : બંને આરોપીઓ સગરામપુરા વિસ્તારમાં જ રહે છે. જ્યારે આરોપી ફૈઝ મુલ્લાનું એવું કહેવું છે કે, મૃતકે તેઓના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જે ખોટી રીતે નોંધવામાં આવી હતી. તે ઉપરાંત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજી પણ કરવામાં આવી હતી. જેથી અમે તેની હત્યા કરી છે.