સુરત : ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઝડપ બાદ શહીદ થયેલા ભારતીય સૈનિકોને જોઈ સુરતના એક વિદ્યાર્થીએ સેનાની તાકાત વધારવાનો નિર્ણય કર્યો. મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી અર્થ ચૌધરીએ સ્ટાર્ટઅપની શરૂઆત કરી અને સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે હજારો કિલોમીટર દૂરથી ડ્રોન ઉડાવી શકાય તેવી સિસ્ટમ બનાવી છે. જેના થકી 7000 કિલોમીટર દૂરથી ડ્રોન ઓપરેટ કરી શકાય છે. હાલમાં જે તેને ઓમાન, નેધરલેન્ડ અને બેંગ્લોરમાંથી બેઠેલા લોકો પાસેથી આ સિસ્ટમ થકી સુરતમાં ડ્રોન ઓપરેટ કરી બતાવ્યું છે.
સુરતના એન્ટરપ્રિન્યોર અર્થ ચૌધરી : અર્થ ચૌધરીની ઉંમર માત્ર 24 વર્ષ છે. જ્યારે તે મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતા, ત્યારે ગલવાનમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચેના ઘર્ષણ અને ભારતીય સૈનિકોની શહીદી અંગે વાંચ્યું. અર્થને લાગ્યું કે એક સિસ્ટમ ઊભી કરે જેના થકી સુરક્ષા દળોને ટેકનિકલ સુવિધા મળી શકે અને ગલવાન ઘાટી જેવી ઘટના ભવિષ્યમાં ન બને. ચાઇનાએ જે ટેકનિકલ સુવિધાનો ઉપયોગ કર્યો હતો, તેવી સુવિધા અને સુરક્ષા ભારતીય સેનાને મળી રહે.
ઇન્ટરકન્ટ્રી ડ્રોન ઓપરેશન સિસ્ટમ : અર્થ ચૌધરીએ એક એવી સિસ્ટમ ડેવલપ કરી છે જેના થકી હવે ભારતમાં રહેલા ડ્રોનને બીજા કોઈ દેશમાંથી અને ભારતમાંથી બીજા દેશમાં રહેલા ડ્રોનને ઓપરેટ કરી શકાશે. આ ઇન્ટરકન્ટ્રી ડ્રોન ઓપરેશન સિસ્ટમ દ્વારા હાલમાં જ સુરતમાં રહેલા ડ્રોનને બેંગલોર, ઓમાન અને નેધરલેન્ડની કંટ્રોલ કરી સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સિસ્ટમ થકી સર્વેલન્સ, ઇન્સ્પેક્શન, એરિયા ઈમેજરી અને બોર્ડર એરિયા જેવી જગ્યાઓ પર આતંકવાદીઓની ગતિવિધિઓની રેકી પણ કરી શકાશે.
ત્રણ વર્ષની મહેનત : આ ઇન્ટરકન્ટ્રી ડ્રોન ઓપરેશન સિસ્ટમ ડેવલપ કરવા અર્થ ચૌધરીની ટીમ છેલ્લા 3 વર્ષથી કામ કરી રહી હતી. જેની પાછળ તેમણે 2 કરોડ જેટલો ખર્ચ કર્યો છે. ભારતમાં આ પ્રથમ સિસ્ટમ છે જેના ઉપયોગથી 7 હજાર કિમી દૂર આવેલા કંટ્રોલરથી પણ સુરતમાં રહેલા ડ્રોન ઓપરેટ કરી શકાય છે.
ગલવાનની ઘટનાએ આપ્યો આઈડિયા : અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગલવાનની ઘટના બાદ અમે વિચારીને આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સિસ્ટમ થકી અમે કોઈ પણ સુરક્ષા બળ સાથે મળી તેમની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના ડ્રોન ડેવલપ કરીશું. હું જ્યારે બીજા વર્ષમાં હતો ત્યારે ગલવાનની ઘટના બની હતી. ચાઇનાએ આવી જ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી જ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું.
7 હજાર કિમી દૂરથી સંચાલન : મને ખ્યાલ આવ્યો કે જો આપણે તેમના ડ્રોન પર નજર રાખી શકીએ તો આપણે આ હુમલાને રોકી શકીએ છીએ. ત્યારબાદ આ સિસ્ટમ ડેવલપ કરવાની શરૂઆત થઈ. બીજા દેશમાંતી આ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટેનો મુખ્ય હેતુ એ છે કે, અમને ખબર પડે કે આપણા દેશમાંથી ક્યાંક પણ બેસીને આપણે આ ડ્રોન ઉડાવી શકીએ છીએ કે નહીં. હજારો કિલોમીટર દૂરથી ક્યાંય પણ બેસીને સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે ડ્રોન ઓપરેટ કરી શકાય.
કેવી રીતે ઓપરેટ થાય છે ડ્રોન ? આ સિસ્ટમ માટે એક એપ્લિકેશન ડેવલપ કરાઈ છે જે મોબાઇલ, કમ્પ્યુટર અને આઇપેડ જેવા કંટ્રોલર ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરી ઓપરેટ કરી શકાય છે. જે થકી ડ્રોનને કંટ્રોલ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં લાંબા ડિસ્ટન્સથી ડ્રોનને ઓપરેટ કરવા ડ્રોન અને કંટ્રોલર ડિવાઇસ 4G કે 5G નેટવર્ક સાથે કનેક્ટ હોવું અનિવાર્ય છે. ત્યારબાદ આ ડ્રોનને કોઇપણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ સહેલાઇથી ઉડાવી શકે છે.
ડ્રોન અને મેકેનિકલ એન્જિનિયરના જાણકાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેકેનિકલ વિભાગના હેડ ડોક્ટર ઈશ્વર પટેલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં આ પ્રકારના ડ્રોન સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે હાલ અનેક પ્રકારના ડ્રોન ઉપલબ્ધ છે. પરંતુ હજારો કિલોમીટર દૂરથી ડ્રોન ઓપરેટ થાય તેવી સિસ્ટમ સુધી નહોતી. જ્યારે ડિફેન્સ સેક્ટરની વાત આવે જો આવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે તો સૌથી અગત્યની વાત છે કે તેની ગુપ્તતા સાચવવામાં આવે. આ ટેકનોલોજી ખૂબ જ સુરક્ષિત હોવી જોઈએ. સર્વલેન્સ અને પેટ્રોલિંગ સહિત અનેક એવી વસ્તુઓ છે જે આ સિસ્ટમ થકી કામ કરી શકશે છે. ખાસ કરીને આવા વિસ્તાર કે જ્યાં સુરક્ષાકર્મીઓને પહેલા મોકલવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે તો આવી જગ્યાએ આ ડ્રોન ને મોકલી શકાય છે.