સુરતઃ રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. આજે સુરતના પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. મૂળ વાપીના વતની, હાલ સુરતમાં રહેતા અને ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર આનંદ પટણીને ગતરોજ હાર્ટ એટેક આવ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેમની તબિયત લથડી હતી. તેમને સારવાર અર્થે સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું છે.
45 વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદાઃ સુરતના પત્રકાર આનંદ પટણી માત્ર 45 વર્ષના હતા. તેમણે નાની ઉંમરમાં આ ફાની દુનિયાને અલવિદા કર્યુ છે. તેમના નિધનથી સુરત પત્રકારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નાની ઉંમરે હાર્ટ એટેકમાં મૃત્યુ થવાના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં આજે સુરતના યુવા અને જુસ્સેદાર પત્રકાર આનંદ પટણીનો પણ સમાવેશ થયો છે. તેઓ મૂળ વાપીના વતની હતા અને તેમને સુરતને તેમની કર્મભૂમિ બનાવી હતી. તેઓ ખાનગી ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કાર્યરત હતા.
પત્ની અને 2 પુત્રો નોંધારા થયાઃ સુરતના યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકમાં અવસાન થયું છે. તેમના અવસાનથી તેમની પાછળ તેમની પત્ની અને 2 પુત્રો નોંધારા બન્યા છે. યુવા પત્રકારના આકસ્મિક અવસાનથી તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આજે તેમના પાર્થિવ મૃતદેહને વતન વાપી લઈ જવાયો. જ્યાં અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં તેમને અંતિમ વિદાય આપવા લોકો ઉમટ્યા. માત્ર 45 વર્ષના આનંદ પટણીના કરુણ અવસાનથી તેમના પરિવાર જ નહિ પરંતુ સમગ્ર સુરત પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.