સુરત : વેસુ વિસ્તારમાં લિફ્ટ ખોટકાઈ જતા 10 વર્ષની બાળકીનું અડધું શરીર લિફ્ટની બહાર અને અડધું અંદર રહી ગયું હતું. જોકે, લિફ્ટનો પાવર ઓફ કરી ફાયર વિભાગ દ્વારા બાળકીનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
લિફ્ટમાં બાળકી ફસાઈ : આ બાબતે વેસુ ફાયર વિભાગના ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે, અમને ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે, એક બાળકી જે લિફ્ટમાં ફસાઈ છે. પરંતુ તેનું અડધું શરીર લિફ્ટની અંદર અને અડધું બહાર, એ રીતે ફસાઈ ગઈ હતી. જેનો કોલ મળતા જ અમે વેસુ વિસ્તારમાં આવેલ ધીરજ સન્સની સામે શ્રીજી રેસીડેન્સીમાં પહોંચ્યા હતા.
લિફ્ટ ખોટકાતા બન્યો બનાવ : શ્રીજી રેસીડેન્સીના ફ્લેટ નંબર 401 માં રહેતા સુરેશભાઈ મહેતાની 10 વર્ષીય પુત્રી કિયારા 7:30 વાગ્યાની આસપાસ સ્કૂલ જવા લિફ્ટની અંદર આવી હતી. ત્યારે લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેણી અડધી લિફ્ટમાં અને અડધી બહાર ફસાઈ હતી. લિફટમાં વિચિત્ર રીતે ફસાયેલી કિયારા ચીસો પાડવા લાગતા માતા-પિતા દોડી આવ્યા હતા.
સફળ રેસ્ક્યુ ઓપરેશન : બાદમાં તેમના દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં હતી. અમારી ટીમે કિયારાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જોકે કિયારાનો આ ચમત્કારિક બચાવ થયો હતો. લિફટમાં વીજ પાવર બંધ થઈ જવાના કારણે લિફ્ટ અટકી ગઈ હતી. જો લિફ્ટ ચાલુ હોત તો તેણીને ગંભીર ઈજા થવાની શક્યતા હતી. જોકે, બનાવને લઈને તેણીને ઈજા પહોંચી ન હતી.