જૂનાગઢઃ આજથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે પરંતુ થોડા દિવસ બાદ ફરી એક વખત પ્રખર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી 2-4 દિવસ સુધી દિવસના તાપમાનમાં 2 ડીગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ દિવસના તાપમાનમાં અચાનક વધારો થઈને તે 40 ડીગ્રીને પાર થઈ જાય તેવી શક્યતાઓ પણ છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડા દિવસો બાદ પ્રચંડ ગરમીનું મોજું ફરી વળે તેવી સંભાવના છે.
ગ્લોબલ વોર્મિંગની અસરોઃ વૈશ્વિક સ્તરે આબોહવામાં ખૂબ જ ચિંતાજનક ફેરફારો થઈ રહ્યા છે. જેને કારણે ગ્લોબલ વોર્મિંગ જોવા મળે છે. તેથી જ શિયાળામાં પ્રબળ ઠંડી અને ઉનાળામાં અતિશય ગરમીની લહેર જોવા મળે છે. પાછલા 5-7 વર્ષમાં આબોહવામાં થયેલા ફેરફારોને કારણે વાતાવરણની આ પ્રતિકૂળતા જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રની ઉપરી સપાટીનું તાપમાન પણ પ્રતિવર્ષ વધી રહ્યું છે તેથી આબોહવાકીય પ્રતિકૂળતા ઊભી થઈ છે. જેની થોડી ઘણી અસર સમગ્ર વિશ્વને થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગને પરિણામે ઋતુચક્ર ખોરવાયું છે. જેને લીધે ઉનાળો, શિયાળો અને ચોમાસામાં અનિયમિતતા જોવા મળે છે. ઉનાળામાં પણ કેટલાક ઠેકાણે માવઠા પડી રહ્યા છે.
દરિયાઈ તાપમાનમાં વધારોઃ સામાન્ય રીતે ઉનાળા દરમિયાન પૃથ્વીનું તાપમાન વધતું હોય છે તેની બિલકુલ વિપરીત દરિયાની ઉપરી સપાટીનું તાપમાન ઘટતું હોય છે જે આબોહવાકીય વ્યવસ્થાનું પરિમાણ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં પૃથ્વીનું તાપમાન ચોક્કસ વધે છે તેની સાથે દરિયાઈ ઉપરી સપાટીનું તાપમાન ઘટવાની બદલે વધી રહ્યું છે. જે મોટી કુદરતી મુશ્કેલીનું કારણ બની શકે છે. ચોમાસા પૂર્વે કે ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં ઊભા થતા દરીયાઇ ચક્રાવાતો આ જ પ્રકારે દરિયાના તાપમાનમાં થઈ રહેલા આ વધારાને કારણે જોવા મળતા હોય છે. અગાઉ દરિયાઈ ચક્રાવાત માત્ર બંગાળની ખાડીમાં જોવા મળતા હતા પરંતુ હવે તે ધીમે ધીમે દર વર્ષે ચોમાસાની શરૂઆતના દિવસોમાં કે ચોમાસા દરમિયાન દરિયાઈ ચક્રાવાત આવતા હોય છે જે ગ્લોબલ વોર્મિંગ ની વિપરીત અસરને અનુમોદન આપે છે.
આજથી 2-4 દિવસ સુધી દિવસના તાપમાનમાં 2 ડીગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ દિવસના તાપમાનમાં અચાનક વધારો થઈને તે 40 ડીગ્રીને પાર થઈ જાય તેવી શક્યતાઓ પણ છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડા દિવસો બાદ પ્રચંડ ગરમીનું મોજું ફરી વળે તેવી સંભાવના છે...પ્રો.ધિમંત વઘાસીયા (હવામાન સંશોધક, જૂનાગઢ)