કચ્છ: 'લગાન' ફિલ્મથી પ્રખ્યાત થયેલા અને હવે બાલિકા પંચાયત, પર્યાવરણ ક્ષેત્રે પહેલ તેમજ અનેક પ્રકારના વિકાસ માટે જાણીતા કુનરીયા ગામની શાળાના બાળકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને દેશના વડાપ્રધાનને પત્ર લખી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો: ભુજ તાલુકાના કુનરીયા ગામના વિદ્યાર્થીઓએ દેશ માટે એક મહત્વપૂર્ણ આગવી પહેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવા માટેની વિનંતી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, મોડર્ન ટેકનોલોજીના પ્રભાવ સાથે સ્ક્રીન ટાઈમમાં વધારાથી શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર થઈ રહી છે.
મોબાઈલના ઉપયોગથી થતા નુકસાનો અંગે પત્ર: કુનરીયા ગામના શાળાના વિદ્યાર્થીઓએ પત્રમાં વિશેષ રીતે ભાર મૂકીને જણાવ્યું છે કે, મોબાઈલના કારણે શૈક્ષણિક પ્રદર્શન પર અસર થઈ રહી છે. જેમાં બાળકોનું ઘણું ધ્યાન મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયા તરફ ઝૂકે છે, જે અભ્યાસમાં અવરોધ ઉભો કરે છે. તેની સાથે જ મોબાઈલના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ ઊભી થઈ છે. જેથી લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી આંખોની તકલીફ, ઊંઘમાં ખલેલ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
સામાજિક ઘડતર અને સંબંધોમાં ઘટાડો: આ ઉપરાંત મોબાઈલના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. જેમાં સાયબર ધમકીઓ, અયોગ્ય સામગ્રી અને વર્ચ્યુઅલ પ્રતિકૃતિ જાળવવાનો દબાણ બાળકોમાં ચિંતા અને હતાશા પણ વધારે છે. ત્યારે મોબાઈલના કારણે સામાજિક કૌશલ્યોનું ધોવાણ થાય છે. ડિજિટલ ક્રિયા પ્રતિક્રિયા વધવાથી સામાજિક ઘડતર અને સામ-સામેના સંબંધોમાં ઘટાડો થાય છે, તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ કેટલાક ઉકેલો સૂચવ્યા: વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનને મોબાઈલના પ્રતિબંધની માંગ સાથે કેટલાક ઉકેલો સૂચવ્યા છે. જેમાં આઉટડોર અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રોત્સાહિત કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. તે સાથે જ શૈક્ષણિક અને અભ્યાસેત્તર સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને હાનિકારક કન્ટેન્ટ અને સાયબર જોખમોથી બચાવવા પગલાં લેવાં માટે પણ સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
માતા-પિતા, શિક્ષકો અને આગેવાનો તરફથી સમર્થન: વિદ્યાર્થીઓએ આ માટે જનજાગૃતિ ઝુંબેશ, વાલીઓના માર્ગદર્શન અને શાળા સ્તરે દેખરેખના પગલાંઓના અમલનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને સમુદાય તરફથી સમર્થન પણ મળ્યું છે. આ અભિગમને વિદ્યાર્થીઓના માતા-પિતા, શિક્ષકો અને સ્થાનિક આગેવાનો તરફથી સમર્થન મળી રહ્યું છે. કુનરીયાના સરપંચે આ પહેલને વખાણી છે અને કહ્યું છે કે, “કુનરીયાના બાળકોના આ પ્રયત્નો તેમના જાગૃતતાનું પ્રતિબિંબ છે અને આ પત્ર વડાપ્રધાન સુધી પહોંચે તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામા આવશે.”
રાષ્ટ્રવ્યાપી નીતિ ઘડવાની અપીલ: કુનરીયા ગામ હંમેશાં નવી પહેલ અને સામાજિક જવાબદારીમાં આગળ રહેવા તૈયારી બતાવે છે. આ વિદ્યાર્થીઓએ વધુ એકવાર સાબિત કર્યું છે કે, આ એક નાનકડું ગામ રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ચર્ચાને પ્રેરિત કરી શકે છે. તેની સાથે જ આ પત્ર વડાપ્રધાનના હસ્તક્ષેપ અને રાષ્ટ્રવ્યાપી નીતિ ઘડવાની અપીલ સાથે છે. જે ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ તરફ દોરી જાય જેથી કરીને યુવા પેઢી માટે વધુ સારા અને સંતુલિત ભવિષ્યનું નિર્માણ કરે.
આ પણ વાંચો: