ગાંધીનગર: રાજ્યમાં અનેક જિલ્લાની સરકારી સ્કૂલમાંથી ભૂતિયા શિક્ષકો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે બનાસકાંઠા, મહેસાણા, ખેડા, સુરેન્દ્રનગરના આંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની આશંકાએ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે. ભૂતિયા શિક્ષકોને શોધવા માટે સર્વે શરૂ કરાયો છે. જે અંતર્ગત રાજ્યની તમામ સ્કૂલમાંથી શિક્ષકોની હાજરીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ આ રિપોર્ટ રાજ્ય શિક્ષણ વિભાગને સોંપશે. જે બાદ રજા લીધા વિના ગેરહાજર રહેલા અને વિદેશ સ્થાયી થયેલા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશમાં: હાલ રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરી અને ભૂતિયા શિક્ષકોના મુદ્દાએ જોર પકડ્યું છે. ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું જાણાવ્યુ છે. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હોવાનું રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ હતુ. સરકારી આંકડા પ્રમાણે 17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશ ભાગી ગયા છે. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યું છે. તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકાર એક્શન લેશે.
શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી: આ બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી. માનવતાના અભિગમથી કર્મચારીઓને બે, ત્રણ કે છ મહિનાની રજા અપાતી હોય છે. ત્યારે હકનો દુરૂપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઇ શકે તે અંગે સરકાર ચર્ચા વિચારણા કરશે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને વિદેશમાં જતા રહ્યા છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.
ગુલ્લીબાજ શિક્ષકોની ખેર નથી: શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈપણ લાલિયાવાડી ચલાવવામાં માગતા નથી. આ રીતે એક પણ જિલ્લામાં કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી મંગાવી છે. આ શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે શિક્ષા કરવામાં આવશે. શિક્ષકોની ગેરહાજરીના આંકડા બાબતે વિભાગે 17 જિલ્લાના 31 શિક્ષકો ગેરહાજર અને 32 શિક્ષકો વિદેશ ગયાનો ખુલાસો કર્યો હતો. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે.