વલસાડ: આજે ગુજરાતના ઘણા રાજ્યોમાં સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પદ્મશ્રી ડોક્ટર યઝદી ઇટાલીયા એ જણાવ્યું કે ઈ.સ. 1978માં જ્યારે સિકલ સેલ નામનો રોગ જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં સિકલ સેલ એનિમિયાનું પ્રથમ દર્દી ગુજરાતનો વલસાડ તાલુકાના વાંકલ ગામથી નોંધાયો હતો. જ્યારે 206થી રાજ્ય સરકારે સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો.
સિકલ સેલના 2,573 જેટલા દર્દીઓ: આજે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 12,20,598 વસ્તીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે જેમાં 2,573 જેટલા સિકલસેલ ડીસીઝ દર્દીઓ નોંધાયા છે જ્યારે 59,816 જેટલા દર્દીના વાહકો નોંધાયા છે.
સિકલ સેલ નાબૂદ કરવા સરકારના પ્રયત્નો: નવા સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે સિકલ સેલના રોગ સામે સરકાર દ્વારા વિવિધ જનજાગૃતિ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે જેથી વર્ષ 2048 સુધીમાં ભારતમાંથી સિકલ સેલને સમગ્રપણે નાબૂદ કરવા માટે સરકાર કમર કસી રહી છે અને જે માટે અનેક જગ્યાઓ પર વિવિધ સ્ક્રિનિંગ કાર્યક્રમો અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ધરમપુર અને કપરાડામાં સિકલ સેલના વધુ દર્દીઓ: સમગ્ર જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ધરમપુરમાં 563 જેટલા દર્દીઓ સિકલ સેલના નોંધાયા છે જ્યારે સૌથી વધુ જિલ્લામાં કપરાડા તાલુકામાં 612 જેટલા દર્દીઓ સામે આવ્યા છે આમ વલસાડ જિલ્લામાં કુલ 2,573 જેટલા દર્દીઓ છે.
સિકલ સેલ એનિમિયા વિશે સામાન્ય માહિતી: સિકલ સેલ એનિમિયા વારસાગત બીમારી છે. તે હીમોગ્લોબિનની ખામીને કારણે થાય છે. સામાન્ય રક્તકણો શરીરના અવયવોને ઓક્સિજન એટલે કે પ્રાણ વાયુ પહોંચાડે છે આ રક્તકણોનું આયુષ્ય સામાન્ય રીતે 120 દિવસનું હોય છે તેમનો આકાર ગોળ હોય છે અને સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે શરીરની રક્તવાહિનીઓમાં સરળતાથી પરિભ્રમણ કરી શકે છે. રક્તકણમાં રહેલી ખામીયુક્ત હિમોગ્લોબિનને કારણે લાલ રક્તકણોનો આકાર ગોળમાંથી દાતરડા જેવો બને છે તેમજ રક્તકણનું આયુષ્ય ઘટીને 30 થી 40 દિવસનું થઈ જાય છે.
ઉપરાંત, લાલ રક્તકણોની સ્થિતિ સ્થાપકતામાં ઘટાડો થવાથી રક્તવાહિનીઓમાં પરિભ્રમણ કરવાની તેની ક્ષમતા ઘટી જાય છે અને તે જલ્દી નાશ પામે છે. સિકલસેલ એનિમિયા રક્તકણ અલ્પ જેવી હોવાથી તેમજ નવા રક્તકણ પૂરતા પ્રમાણમાં બનતા ન હોવાથી દર્દીઓમાં એનિમિયા જોવા મળે છે. ખાસ પ્રકારની લેબોરેટરી અને પરીક્ષણ દ્વારા રક્તકણોનો આકાર દાતરડા જેવો એટલે કે સિકલ જેવો છે કે નહીં તે જાણી શકાય છે આમ આકાર તથા લક્ષણને ધ્યાનમાં લઈને આ સમસ્યાને સિકલ સેલ એનિમિયા નામ આપવામાં આવ્યું છે.
સિકલ સેલના લક્ષણો:
- શરીર ફીકુ પડી જવું
- વારંવાર કમળો થવો
- શરીરના સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવો અને દુખાવો રહેવો
- સહેલાઈથી સંક્રમણ રોગોના ભોગનું ખાસ કરીને ફેફસાના રોગો
- વારંવાર પેટમાં દુખાવો થવો
- બરોડ મોટી થવી
- વારંવાર તાવ આવવો
- સગર્ભા માતાને ગર્ભપાત થવાની શક્યતા
- મૂત્રમાં લોહી જવાની તકલીફ
- પરિસ્થિતિમાં ટૂંકા આયુષ્યમાન જ મૃત્યુ પણ પામી શકે છે
- શરીરમાં કડતર થવું.
સિકલ સેલ એનિમિયાનું નિદાન કઈ રીતે કરી શકાય?: સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સિકલ સેલ એનિમિયાનો પરીક્ષણ સામાન્ય રીતે ડીટી ટેસ્ટ અને ત્યારબાદ એચપીએલસી ટેસ્ટ પ્રકારની બે પદ્ધતિથી થઈ શકે છે. તદુપરાંત હિમોગ્લોબિન ઇલેક્ટ્રો ફોરેસીસ પદ્ધતિથી પણ પરીક્ષણ થઈ શકે છે.
2023ના બજેટમાં નરેન્દ્ર મોદીએ સિકલ સેલને નાબૂદ કરવા 15,000 કરોડની જોગવાઈ મૂકી: હાલના સાંસદ ધવલ પટેલના જણાવ્યા અનુસાર સિકલ સેલ જેવા રોગને 2048 સુધી ભારતમાંથી નાબૂદ કરવા માટે વર્ષ 2023 ના બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજિત રૂપિયા 15,000 કરોડની જોગવાઈ કરી છે. જેમાં સમગ્ર ભારતભરમાં સાત કરોડ લોકોને સ્ક્રિનિંગ કરવામાં આવનાર છે. જેમાં અત્યાર સુધીમાં એક કરોડ લોકોના સ્ક્રિનિંગ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં અગાઉ આ રોગને આયુષ્માન ભારત કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યો ન હતો. હાલમાં તેને આયુષ્માન ભારત કાર્ડમાં આવરી લઈ સાથે સાથે દર માસે સિકલ સેલના દર્દીને રૂપિયા 500 આપવામાં આવતા હતા તેના સ્થાને હવે તેને વધારી અઢી હજાર રૂપિયા આપવામાં આવશે