રાજકોટ: મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મનપાન કચેરીની બહાર એટલે કે રામ વન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અંદાજિત રૂ. 551 કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટાભાગના કોર્પોરેટરો કોર્પોરેશન સંચાલિત ઇલેક્ટ્રિક બસમાં રામવન ખાતે આવી પહોંચ્યા હતા અને અહીંયા આ બેઠક યોજાઇ હતી. આગામી 25 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આવનાર હોય ત્યારે તેઓ પણ રાજકોટના અલગ અલગ વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવાના હોય આ તમામ કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 113 દરખાસ્તો આવી
આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મનપાના 50 વર્ષ પૂર્ણ થયા છે. અને હાલ 51મુ વર્ષ શરૂ છે. એવામાં મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી સ્ટેન્ડિંગ કમિટીના મનપાના હોલની જગ્યાએ શહેરના લોકલ વિસ્તારમાં યોજવામાં આવશે. જેને લઇને આજે રાજકોટના રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અગાઉ રામવન ખાતે પરંપરાગત સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના 68 ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી.
રૂ.551 કરોડના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા
આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 113 જેટલી દરખાસ્તો હતી. જેમાંથી એક દરખાસ્ત અને પેન્ડિંગ રાખવામાં આવી છે. તેમજ બાકીની 112 જેટલી દરખાસ્તોને સર્વાનું મતે બહાલી આપવામાં આવી છે. જેમાં રૂ.551 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં નાના મોટા વિકાસના કામો કરવામાં આવશે. આ તમામ કામોને આજે મંજૂરી આપવામાં આવી છે.
આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે પેન્ડિંગ દરખાસ્ત હતી તે મામલે જયમીન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના નાના મૌવા સર્કલ નજીક મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021માં એક ડેવલોપરને અહી હરરાજી માટે પ્લોટ આપવામાં આવ્યો હતો. જ્યારે 30 દિવસ સુધીમાં આ પ્લૉટ તેમને લેવાનો હતો અને રૂ.118 કરોડ આ પ્લોટની કિંમત હતી પરંતુ આ ડેવલોપર પ્લૉટ પોતાના કબજામાં લે તે પહેલા જ બે વ્યક્તિઓ દ્વારા પ્લોટ પર દાવો કરાયો અને હાલ કોર્ટ મેયર શરૂ છે. જેના કારણે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે.