અમદાવાદ : ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe) અને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) વચ્ચેના સહયોગાત્મક પ્રયાસ અંતર્ગત ઈન-સ્પેસ કેનસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. બે દિવસની તીવ્ર સ્પર્ધા બાદ આજે સંપન્ન થયેલી આ ઇવેન્ટમાં નવીનતા રોમાંચક પ્રદર્શન માટે દેશભરમાંથી 28 ટીમ આવી હતી.
કેનેસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કોમ્પિટિશન દેશભરમાંથી આવેલી વિવિધ ટીમોએ પોતાના કેન-સાઇઝના સેટેલાઇડ્સના ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને લોન્ચિંગ માટે સ્પર્ધા કરી હતી. સ્પર્ધાના અંતે ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બેસ્ટ ઓવરઓલ ડિઝાઇન, ટેક્નિકલ ઇનોવેશન અને મિશન અકમ્પ્લીશમેન્ટ સહિતની વિવિધ કેટેગરીમાં વિવિધ ટીમની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી.
વિજેતા ટીમ-વિહંગ : લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની ટીમ વિહંગે પ્રથમ ઇનામ જીત્યું હતું. જ્યારે નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીની ટીમ દ્યૌષે બીજું ઇનામ મેળવ્યું હતું. ભરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચની ટીમ M.A.T.R.I.X ને ત્રીજું ઇનામ મળ્યું હતું. અન્ય વિજેતાઓમાં કમિન્સ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર વુમન MKSSS' ટીમ વિનિંદ્રા હતી, જેને બેસ્ટ ટીમ વર્ક તથા વિદ્યા જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટીમ નામ્બી વીજેને બેસ્ટ ડિઝાઇન માટે ઇનામ મળ્યું હતું.
ચીફ ગેસ્ટ એસ. સોમનાથ : આ પ્રસંગે ઈસરોના ચેરમેન એસ. સોમનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પેસ સેક્ટરમાં યુવા પ્રતિભાને પોષવાના મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે, કેનસેટ સ્પર્ધા એ નવીનતા અને વૈજ્ઞાનિક ખોજની સંસ્કૃતિને પોષવાની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. સ્પર્ધાત્મક પ્લેટફોર્મ અને મેન્ટરશિપ દ્વારા પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક પૂરી પાડીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અમે તેમને આવતી પેઢીના સ્પેસ સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ અને આંત્રપ્રિન્યોર બનવા માટે સશક્ત બનાવીએ છીએ. નોંધનીય છે કે, એસ. સોમનાથ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DOS) તથા એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના (ASI) સેક્રેટરી પણ છે.
યુવા પ્રતિભા માટે ખાસ પ્લેટફોર્મ : આ સ્પર્ધાએ સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માટે વિદ્યાર્થીઓને અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ટીમે ડ્રોનની મદદથી 800 મીટરના અલ્ટિટ્યૂડ પર તેમના કેનસેટ લોન્ચ કરવાનો પડકાર સફળતાપૂર્વક ઉઠાવ્યો હતો. તેમના હાથવગા પડકારે ન કેવળ તેમની ટેકનિકલ કુશળતાને ચકાસી પરંતુ સેટેલાઇટ ટેકનોલોજીના પ્રેક્ટિકલ પાસાંની ઊંડી સમજ માટે તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. ઉપરાંત પેલોડ ડિઝાઇન, ટેલિમેટ્રી સિસ્ટમ્સ અને રિકવરી મિકેનિઝમ જેવા વિવિધ પાસાની સમજ મેળવી હતી. આ ઇવેન્ટ થકી યુવાનોમાં સ્પેસ એક્સપ્લોરેશન માટે ટીમવર્ક, પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કીલ્સ અને જુસ્સો જગાવ્યો હતો.
ઈન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોયન્કા : ઈન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોયન્કાએ ઇવેન્ટની સફળતા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઇન-સ્પેસ કેનસેટ સ્પર્ધાને મળેલો પ્રતિસાદ અમારી અપેક્ષા કરતાં પણ વધુ હતો. આ યુવા વિદ્યાર્થીઓના સમર્પણ, રચનાત્મકતા અને ટેક્નિકલ જ્ઞાનને જોવું ખરેખર પ્રેરણાદાયી હતું. અમે સહભાગીઓમાં સ્પેસ પ્રત્યે જુસ્સો જોઈ શક્યા અને મને વિશ્વાસ છે કે ભારતના ભવિષ્યના અવકાશી સાહસો પાછળ તેઓ ચાલક બળ રહેશે. વિદ્યાર્થી સમુદાયમાં સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજી પ્રત્યેનો રસ જગાવવાનું ચાલુ રાખવાની અમારી પ્રતિબદ્ધતાનો આ ઇવેન્ટ પુનરોચ્ચાર કરે છે.
ભારતના ભાવિ સ્પેસ ફોર્સ : ઈન-સ્પેસના ડિરેક્ટર ડો. વિનોદ કુમારે ઇવેન્ટના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, અમે ખુશ છીએ કે ઈન-સ્પેસ કેનસેટ કમ્પિટિશન વિદ્યાર્થી સમુદાયમાંથી ભારતના ભાવિ સ્પેસ ફોર્સ બનાવવામાં આવી પહેલની પ્રચંડ સંભાવના દર્શાવવામાં સફળ રહી છે. તેમની કુશળતા દર્શાવવા માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડીને આ ઇવેન્ટે કુતુહલતા અને મહત્વાકાંક્ષાઓના બીજ વાવ્યા છે, જે તેમને નજીકના ભવિષ્યમાં સ્પેસ ઉદ્યોગમાં સફળ કારકિર્દી તરફ દોરી જશે.