ગાંધીનગર: ગુજરાતમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે છ કલાક સુધીમાં 776.15 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76.57 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગત આખી રાત ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો.
રાજ્યના 46 તાલુકામાં 1000 એમએમથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે 86 તાલુકામાં 501 થી 1000 એમએમ, 99 તાલુકામાં 251 થી 500 એમએમ, 20 તાલુકામાં 126 થી 250 એમએમ વરસાદ પડ્યો છે. કચ્છમાં આ સીઝનનો 88.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 59.33 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 62.68 ટકા, સૌરાષ્ટ્રમાં 82.80 ટકા સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 90.20 ટકા વરસાદ પડી ચુક્યો છે.
153 તાલુકામાં વરસાદની સ્થિતિઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાં 153 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 16.74 એમએમ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 112 એમએમ, ખેડા જિલ્લાના નડિયાદમાં 102 એમએમ, અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 101 mm, અમરેલી જિલ્લાના બગસરામાં 97 એમએમ અને ખેડા જિલ્લાના મહુધામાં 92 એમએમ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા ડેમ 87.95 ટકા જેટલો ભરાઈ ગયો છે. રાજ્યમાં 52 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 42 ડેમ 70 થી 100 ટકા, 23 ડેમ 50 થી 70 ટકા, 37 ડેમ 25થી 50% અને 52 ડેમ 50% થી ઓછા ભરાયા છે.
સ્ટેટ કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે કોઈ જગ્યાએ પુરની પરિસ્થિતિ ઊભી થઈ નથી. આમ છતાં તમામ વરસાદ ગ્રસ્ત જિલ્લાઓ ઉપર ચાંપતી નજર રખાઈ રહી છે. તમામ જિલ્લા કલેક્ટર સાથે સરકાર સતત સંપર્ક માં છે. NDRF સાથે પણ સંકલનમાં સરકાર છે. પુર જેવી પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહુંચી વળવા તંત્ર તૈયાર છે.