મહેસાણા: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગઈ કાલે શિક્ષકોના ક્લાસ લઈ લીધા હતા. વાસ્તવમાં વાત એ છે કે, સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ છે જેના ભાગરૂપે મહેસાણાના વિસનગરના ભાલક ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. જ્યાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માત્ર સ્ટેજ પૂરતો મર્યાદિત નહીં રાખી ઋષિકેશ પટેલ શાળાના દરેક વર્ગખંડોમાં રૂબરૂ જઈ ભૂલકાંઓ સાથે બેસીને અભ્યાસની પદ્ધતિ ચકાસણી કરી હતી. તો ભૂલકાઓના ક્લાસ લેતા શિક્ષકોના આજે ઋષિકેશ પટેલે ક્લાસ લીધા હતા.
શિક્ષકોની ભણાવવાની પદ્ધતિની રૂબરૂ ચકાસણી: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બાળકોને શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા . ભાલક ખાતે શાળા પ્રવેશોત્સવમાં ઋષિકેશ પટેલનું નિવેદન હતું કે, "રાજ્યની જે શાળાઓમાં રીપેરીંગ હોય ત્યાં રીપેરીંગ, નવા ઓરડાની જરૂર હોય ત્યાં નવા ઓરડા બનાવવાની કામગીરી ચાલુ છે. તો વળી સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી રહ્યા છે. 1 લાખ નવા સ્માર્ટ ક્લાસ રાજ્યમાં બનાવી ચુક્યા છે. આમ આવતા સમયમાં 2047ના વિઝન માટે નવી પેઢી બનાવવા જઈ રહ્યાં છીએ."
માત્ર સ્ટેજ કાર્યક્રમ નહિ પણ દરેક ક્લાસ રૂમમાં જાઈને કરી તપાસ: શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ઋષિકેશ પટેલે માત્ર સ્ટેજ પૂરતો મર્યાદિત નહીં રાખી શાળાના દરેક વર્ગખંડોમાં રૂબરૂ મુલાકાત કરી હતી. સ્માર્ટ ક્લાસ હોય કે સ્માર્ટ બોર્ડ તેમાં થતી અભ્યાસની કામગીરીની ઝીણવટ પૂર્વક માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તો શાળાના બાળકોની બેન્ચીસ પર વિદ્યાર્થી બની બેસી જઈને વિદ્યાર્થીની નજરથી શિક્ષણ કાર્યની માહિતી મેળવી હતી.
ભૂલકાઓ સાથે બેન્ચ પર બેસી શિક્ષણની વિગતો મેળવી: શિક્ષકોના ક્લાસ લેતા ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓની નોટબુક ચકાસણી માટે માગતા હોશિયાર વિદ્યાર્થીઓની નોટબુકો શિક્ષકોએ ધરી દીધી હતી. જેનો કટાક્ષ કરતાં કૃષિકેશ પટેલે ભણવામાં હોશિયાર ન હોય તેવા વિદ્યાર્થીઓની નોટબુક જાણી જોઈને માગીને તપાસણી કરી હતી. વિદ્યાર્થીઓના અક્ષરો કેવી રીતે સુધારી શકાય એના પર પણ ધ્યાન આપવા સૂચન કર્યું હતું. એક તરફ ઋષિકેશ પટેલ વિદ્યાર્થીઓના નોટ બૂકોની ચકાસણી કરી રહ્યા હતા તો બીજી તરફ ઉપસ્થિત સ્ટાફ અને અન્ય લોકો પેડા, કેવડો, વેફરની મજા માણી રહેલા પણ જોવા મળ્યા હતા. એક તરફ સરકારના પ્રવક્તા ગંભીરતાપૂર્વક શિક્ષણ કાર્યની ચકાસણી કરતા હોય તો બીજી તરફ સામે બેઠેલા વ્યક્તિઓ આ બાબતને હળવી લઈ રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું.