વડોદરા: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની 3 બેઠક પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પઢિયારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેઓ ભાજપના ડોક્ટર હેમાંગ જોશી સામે ચૂંટણી લડશે.
કોણ છે જશપાલસિંહ પઢિયાર
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારને જાહેર કરવામાં આવ્યા છે. જશપાલસિંહ પઢિયાર વર્ષ-2017ની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક ઉપર જીતીને ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક ઉપર હારી ગયા હતા. તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે. જેથી કોંગ્રેસે તેમને આ લોકસભા બેઠક જીતવાની કમાન સોંપવામાં આવી છે.
સમગ્ર ભારત દેશમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે વડોદરા બેઠક ઉપરથી કોંગ્રેસે યુવાન નેતા જશપાલસિંહ પઢીયારની પસંદગી કરતા ક્ષત્રિય સમાજના કાર્યકરો અને યુવા વર્ગમાં ભરે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જેને લઇને જશપાલસિંહના ઘરે ભારે જનમેદની જોવા મળી.
ભારતીય જનતા પાર્ટીમાં વિવાદોના વમળમાં
હાલ લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદો ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે વડોદરા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસે ક્ષત્રિય સમાજના યુવાન ઉમેદવારની પસંદગી કરી છે. જેને લઈને વડોદરા લોકસભા બેઠક ઉપર કાંટે કી ટક્કર જેવો ખેલ થાય તો કોઈ નવાઈ નહીં.