જૂનાગઢ: ભારતી આશ્રમ સંચાલિત સરખેજમાં આવેલા ભારતી આશ્રમના વિવાદને લઈને હવે આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો કરવામાં આવ્યો છે. આ આશ્રમ પર ભારતી બાપુના શિષ્ય ઋષિ ભારતીને સંચાલન કાર્ય સોંપવામાં આવ્યુ હતું. પરંતુ ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ સરખેજ આશ્રમ વિવાદમાં હતો. જેના પર હવે ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ કબજો મેળવ્યો છે.
સરખેજ આશ્રમનો કબ્જો: જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ નીચે આવતા સરખેજના ભારતી આશ્રમનો કબજો વર્તમાન ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ મેળવ્યો છે. અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના સંચાલનને લઈને પાછલા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં આજે ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ ભારતીએ સરખેજ આશ્રમનો કબજો મેળવ્યો છે. ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના સેવક ઋષિ ભારતી દ્વારા સરખેજ આશ્રમ પર કબજો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતી આશ્રમની સરખેજ ભારતી આશ્રમની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
ભારતી બાપુના બ્રહ્મલીન થયા પછી વિવાદ: ભારતી આશ્રમના સ્થાપક મહામંડલેશ્વર ભારતી બાપુ દ્વારા જૂનાગઢ, અમદાવાદ, નર્મદામાં ભારતી આશ્રમની સ્થાપના કરી હતી. કોરોનામાં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ અમદાવાદના સરખેજ આશ્રમને લઈને વિવાદ ઉભો થયો હતો. ભારતી બાપુની હયાતીમાં ગુજરાતમાં સ્થાપવામાં આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે હરીહરાનંદ ભારતીને મહંત જાહેર કર્યા હતા. ત્યારબાદ મહાદેવ ભારતીને જૂનાગઢ ભારતી આશ્રમ અને ઋષિ ભારતીને સરખેજ ભારતી આશ્રમના સંચાલનની જવાબદારી સ્વયં ભારતી બાપુએ સોંપી હતી.
ઋષિ ભારતીએ વિવાદ ઉભો કર્યો: ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ ઋષિ ભારતીએ સરખેજ ભારતી આશ્રમ પર તેમનો કબજો કરીને સમગ્ર મામલામાં વિવાદ ઉભો કર્યો હતો. ત્યારબાદ કેટલાક મહિનાઓ પૂર્વે વર્તમાન ગાદીપતિ હરીહરાનંદ ભારતી અચાનક ગુમ થયા હતા. એક અઠવાડિયા બાદ તેઓ પરત મળી આવતા ભારતી આશ્રમના સેવકોમાં હાશકારો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારથી ચાલતા આવતા વિવાદમાં ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ સરખેજ આશ્રમમાં સેવકો અને આશ્રમના અનુયાયીઓ સાથે ફરી એક વખત સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમનો કબજો મેળવ્યો છે.