મહિસાગર: સંતરામપુરના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને કેટલાક ઈસમોએ ભેગા મળીને માર માર્યાની ઘટના સામે આવી છે. વડોદરાથી ફતેપુરા વાયા સંતરામપુર રૂટની બસના ડ્રાઈવરને ચાલુ બસ રોકી માર માર્યો છે. જેમાં મળતી માહિતી મુજબ બસનુ સ્ટોપેજ ના હોવાના કારણે બસને ઊભી ન રાખતા તેમજ બસ પરત આવતાં બસને રોકી ચાર ઈસમોએ બસ ડ્રાઈવરની સાથે મારમારી કરી હતી.
ડ્રાઈવરને માથાના ભાગે ઇજા: મળતી વિગત અનુસાર, સંતરામપુરના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને ચાર જેટલા ઈસમોએ ભેગા મળીને માર્યો હતો, આ ઘટનામાં બસ ડ્રાઈવરને માથાના ભાગે વધુ ઇજા થતાં 108 મારફતે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ મામલે બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજીએ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે તેણે મારનાર પપ્પુ પારસિંગ ડિંડોર અને તેના સાથીદારોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બસ ડ્રાઈવરની આપવીતી: પીડિત બસ ડ્રાઇવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજીના જણાવ્યા અનુસાર, "હું વડોદરાથી ફતેપુરા જતો હતો આ દરમિયાન સંતરામપુરથી બેઠેલ વ્યક્તિ સ્ટોપેજ ન હોવા છતાં બસને ઉખરેલી બે નંબર પાટીયે ઊભી રાખવા કહેતા હતા. મે આ બાબતએ ના પાડી અને તેમને આગળના સ્ટોપ ઉપર ઉતાર્યું. આથી એમણે "પાછો રિટર્ન આવ" એમ કહી મને ધમકી આપી હતી. ફતેપુરાથી પાછા વળતી વખતે આ ઇસમો ઘાતક હથિયારો લઈને રસ્તામાં ઊભા રહ્યા હતા. ત્યારબાદ બાઇક આડું કરી મને માર મારવાનું ચાલુ કર્યું, મારા પર જાન લેવા હુમલો કર્યો. હું સરકારી કર્મચારી છું, જો મારા પર આવો હુમલો થયો તો આમ નાગરિકનું શું?" તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "જો આ લોકો ફરી એક વાર મારા સામે આવશે તો હું બધાને ઓળખી લઇશ."
ડ્રાઈવરે નિયમ પ્રમાણે પેસેન્જર ઉતાર્યા હતા: આ ઘટનામાં સંતરામપુર PI કે.કે.બુવડના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં જે જગ્યાએ નિયમ પ્રમાણે બસ સ્ટોપેજ હતું તે નિયમ પ્રમાણે ડ્રાઈવરે પેસેન્જર ઉતાર્યા હતા. જ્યારે બસ રિટર્નમાં પાછી આવી ત્યારે આ ચારેય ઈસમો અદાવત રાખી ડ્રાઈવરને મારવા ઉભા રહ્યા હતા. જ્યારે બસ આવી ત્યારે ઈસમોએ બસ જઈને ડ્રાઇવરને માર માર્યો હતો. આ મામલે આરોપી અને તેના સાથીદારોની વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.