સાબરકાંઠા: જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી ન યોજતા આખરે 258 કરોડથી વધુની રકમનો દૂધ વધારો જાહેર કરેલ છે જેના પગલે સમગ્ર સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.
શા કારણે થયો આ વધારો: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે સાબર ડેરી દ્વારા ડિસેમ્બર 2023 સુધીનો 258 કરોડથી વધુની રકમનો દૂધ વધારો જાહેર કરેલ છે, જે આવતીકાલે તારીખ 11 જુલાઈથી પ્રત્યેક પશુપાલકને મળી રહે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો છે. સાબર ડેરીમાં ચેરમેન સહિત વાઇસ ચેરમેનની ચૂંટણી સમય મર્યાદામાં ન યોજાતા આખરે પૂર્વ ચેરમેન સહિત સમગ્ર ડિરેક્ટરો દ્વારા પશુપાલક આલમને ખેતી સિઝનમાં મદદરૂપ થવા માટે 258 કરોડથી વધારેની રકમનો દૂધ વધારો જાહેર કરાયો છે. જેના પગલે ખેડૂતો પણ ખુશી વ્યાપી છે.
આ વર્ષે સાબરડેરીનું ટર્નઓવર સારું: જોકે આગામી સમયમાં સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી એ આ વર્ષે 8 હજાર કરોડ થી વધુ નું ટર્ન ઓવર કર્યું છે. સાથો સાથ હજી સાબરડેરી ચેરમેન સહિત વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી છે, ત્યારે આગામી ટૂંક સમયમાં બાકી રહેલો દૂધનો ભાવ વધારો આપવા માટે સ્થાનીય તંત્ર એ કમર કસી છે. તેમજ આગામી સમયમાં જલદીથી ભાવ વધારો આપવા તંત્ર તૈયાર છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દૂધ ભાવમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
પશુપાલકોનો લાભ: આ ઉપરાંત સાબર ડેરી દ્વારા સાડા ત્રણ પશુપાલકોને બાકી રહેલો દૂધનો ભાવ વધારો ક્યારેય અપાય છે તેમજ કેટલો અપાય છે તે પણ પશુપાલક સમાજ માટે મહત્વની બાબત બની રહી છે. ત્યારે આગામી સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પશુપાલકોને કેટલો લાભ કરાવશે એ તો સમય જ બતાવશે.