સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ડ્રોન હુમલામાં સુરતના યુવક હેમિલનું કરુણ મૃત્યુ થયું છે. હેમિલના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરિવારજનો મૃતદેહને વતન લાવવા પ્રયત્ન કરતા હતા ત્યારે એમ્બેસીએ જણાવ્યું છે કે, 3થી 4 દિવસમાં હેમિલના મૃતદેહને ભારત પહોંચાડવામાં આવશે.
2 મહિના અગાઉ રશિયા ગયો હતોઃ સુરતમાં રહેતો હેમિલ માંગુકિયા 20 મહિના પહેલા રશિયા ગયો હતો. જ્યાં ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. ત્યાં યુદ્ધમાં ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. હેમિલના મોતને લઈને સુરતમાં રહેતો તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતદેહ પરિવારજનો સુધી પહોચે તે માટે પરિવારજનો પણ ખૂબ જ ચિંતિત હતા એટલું જ નહી પરિવારજનો તેનો મૃતદેહ લેવા જવા માટે રશિયા પણ જવાના હતા. જો કે એમ્બીસી તરફથી તેનો મૃતદેહ ભારત પહોચાડવામાં આવશે તેમ તેના પરિવારજનોએ જણાવ્યું છે.
હેમિલના સાથી સમીરે સૌ પ્રથમ સમાચાર આપ્યાઃ હેમિલના કાકા સુરેશ માંગુકીયાએ જણાવ્યું હતું કે, હેમિલ સાથે સમીર નામનો છોકરો કામ કરતો હતો. તેને અમને જાણ કરી હતી કે ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું છે. અમે 4-5 દિવસથી એમ્બીસીના સંર્પકમાં હતા પણ ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. જો કે કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે મૃતદેહની જાણકારી આર્મી તરફથી અમને મળી છે અને મૃતદેહ 3થી 4 દિવસમાં ભારત સુધી પહોચાડશે.
3 પરિજનો રશિયા પણ જવાના હતાઃ સુરેશ માંગુકીયાએ જણાવ્યું હતું કે, શરુઆતમાં અમને એમ હતું કે અમારે જાતે જ રશિયા જવું પડશે. અમે વિઝા પણ મૂકી દીધા હતા અને અમે ૩ જણા અહીંથી જવાના પણ હતા. ગઈકાલે અમને એમ્બેસીમાંથી એવા મેસેજ મળ્યા છે કે મૃતદેહને તમારા સુધી અમે પહોચતો કરી દઈશું.