સુરત: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેધરાજાની ધમાકેદારી બેટિંગ બાદ, હવે સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજાની ધમાકેદારી બેટિંગની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં આજરોજ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.
![તાપી નદીમાં પાણી છોડાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/gj-surat-rural04-tapi-gj10065_02092024192548_0209f_1725285348_700.jpg)
તાપીમાં નવા નીરની આવકઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના દરવાજા ખોલીને ફરી પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ દરવાજા બંધ રાખ્યા બાદ ફરી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ઉપરવાસમાંથી ભારે પાણીની આવકના પગલે તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ઉપરવાસમાંથી 1.40 લાખ ક્યૂસેક પાણીની આવક સામે 1.40 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
![તાપી નદીમાં પાણી છોડાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/gj-surat-rural04-tapi-gj10065_02092024192548_0209f_1725285348_316.jpg)
સુરતને છ વર્ષ ચાલે એટલું પાણી છોડાયુંઃ સુરતને 6 વર્ષ ચાલે એટલું પાણી છોડાયું 2024માં ચોમાસાની સિઝનની 27 જૂનથી ઉકાઈ ડેમમાં પાણી આવક શરૂ થઈ હતી. ત્યારે બે મહિના દરમિયાન ડેમના દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 4,252 એમસીએમ (મિલિયમ ક્યુબિક મિટર) પાણી છોડી દેવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમમાંથી એક વર્ષ માટે પીવા, ખેતી અને ઉદ્યોગ માટે 4,052 એમસીએમ પાણીની જરૂર પડતી હોય છે. ત્યારે સુરતને 480 એમસીએમ પાણીની જરૂર પડતી હોય છે. જેથી સુરતને 6 વર્ષ ચાલે એટલું પાણી અત્યાર સુધીમાં છોડી દેવામાં આવ્યું છે.
તાપી નદીમાં 1.40 લાખ ક્યૂસેક પાણી છોડાયું ઉપરવાસમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ઉકાઈ ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક શરૂ થઈ છે. આવકને જોતા તંત્ર દ્વારા સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ 1.40 લાખ ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 336.32 છે. જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. જોકે, ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે. 10 વાગ્યે 80 હજાર, 12 વાગ્યે 1.83 લાખ અને બપોરે બે વાગ્યે 1.40 લાખ ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. જેના પગલે હાલ 1.40 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઓગસ્ટમાં 2.47 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું 27 જૂનના રોજ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ત્યારે 305.39 ફૂટ સપાટી હતી. શરૂઆતમાં ખૂબ જ આછી આવક થઈ હતી. ત્યાર બાદ પાણીની આવક બંધ થઈ ગઈ હતી. પરંતુ ફરી ઓગસ્ટ મહિનામાં પાણીની આવક શરૂ થઈ હતી. ઓગસ્ટ મહિનામાં ધીમી પરંતુ મક્કમ ગતિએ પાણીની આવક ચાલુ રહી હતી. જોકે, 23 ઓગસ્ટે ડેમમાં પાણીની આવક રૂલ લેવલને અડી જતાં ડેમના સત્તાવાળાઓએ 2.47 લાખ ક્યૂસેક પાણી છોડવાનો આરંભ કરી દીધો હતો.