રાજકોટ: નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતા આજે વિજ્યાદશમી પાવન અવસર પર રાજ્યમાં દશેરાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રાવણ દહનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સતત 29માં વર્ષે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા 60 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું જેની સાથે 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુભકર્ણના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું.
વિજયાદશમીની ખૂબ ઉત્સાહભેર ઉજવણી: દર વર્ષે દશેરાના પાવન પર્વ નિમિતે વર્ષોની પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની ખૂબ ભાવભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સતત 29માં વર્ષે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ કરવામાં આવી હતી. આ વર્ષે રાવણના પૂતળા દહન સાથે શસ્ત્ર પૂજન, આતશબાજી અને નવીનતમ લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આતશબાજી જોઈ સૌ કોઈ આનંદીત થયા: ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા પૂતળા બનાવવાનો રાજકોટનો રેકોર્ડ અકબંધ રહયો છે. આ વખતે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 60 ફૂટના રાક્ષસ રૂપી રાવણ તથા 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવ્યા હતા. રાવણ દહન પહેલા અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે દિવાળી જેવો માહોલ રચાયો હતો. આતશબાજી જોઈને નાના બાળકોથી લઇ મોટા સહીત તમામ આનંદીત થઇ ગયા હતા.
આ પણ વાંચો: