પાલનપુર: બનાસકાંઠાના વડા મથક પાલનપુર ખાતે આજે પરંપરાગત રીતે મોટા રામજી મંદિર પથ્થર સડકથી ભગવાન જગન્નાથની 53મી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર પરિક્રમા કરી હતી. મોટી બજાર, નાની બજાર અને ત્રણ બત્તી ચોકમાં શોભાયાત્રાનું સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. તેમજ પોલીસવડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગઠામણ દરવાજા થઈ શહેરના અન્ય વિસ્તારોમાં પરિક્રમા કરીને હનુમાન ટેકરી વિસ્તારમાં રથયાત્રા પહોંચી હતી. બપોરનુ ભોજન લક્ષ્મીપુરામાં કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા: રામસેવા સમિતિના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકીય આગેવાનો, અગ્રણીઓને અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સીધી દેખરેખ હેઠળ રથયાત્રા નીકાળવામાં આવી હતી. મોટા રામજી મંદિરના મહંત શ્રી રાઘવ ઉદાસજી મહારાજનો રથ સૌથી આગળ હતો. ઉત્સાહ અને ભક્તિમયથી સુખરૂપ પૂર્ણ થઈ હતી.