સાબરકાંઠા: હિંમતનગર સબ જેલમાં વિપુલ નામના દુષ્કર્મના આરોપીએ ગળે ફાસો ખાઇ લીધા હોવાની ઘટના સામે આવી છે. જેલની બેરેક નંબર 11 માં ટોયલેટના વેન્ટિલેશનના સળિયા સાથે નાયલોન દોરી બાંધી ફાંસો ખાઇ લેતા આરોપી યુવકનું મોત થયું હતું.આ આરોપીના પિતાએ પોતાના પુત્રના જામીન માટે ખોટા દસ્તાવેજ રજૂ કરતા તેના પિતા સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આરોપીના પિતા સામે ગુન્હો નોંધાયા બાદ આરોપી માનસિક રીતે ભાંગી ગયો હતો અને આપઘાત કરી લીધો હતો. આ આરોપી સામે પોક્સો અને દુષ્કર્મનો ગુન્હો જુલાઇ માસમાં નોંધાયો હતો.
દુષ્કર્મના આરોપીએ ગળે ફાંસો ખાધો: હિંમતનગર જિલ્લા જેલમાં આરોપીએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી, જો કે આ મામલે જેલ અધિક્ષક સહિત જિલ્લા પોલીસ વડા તેમજ વહીવટી તંત્ર દ્વારા મૃતદેહને ફોરેન્સિક લેબોરેટરી માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જિલ્લા સબ જેલમાં ગતરોજ દુષ્કર્મ અને પોકસોના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપીએ જેલના ટોયલેટની વેન્ટિલેશન પર નાયલોન દોરી વડે આત્મહત્યા કરી લેતા સબ જેલ વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
તબીબોએ આરોપીને મૃત જાહેર કર્યો: આ ઘટનાની જાણ સ્થાનિક જેલ કર્મચારી સહિત અન્ય કેદીઓને થતા અન્ય કેદીઓ દ્વારા બૂમાબૂમ કરતા જેલ સ્ટાફ દોડી આવ્યો હતો. તેમજ આરોપીને નીચે ઉતારી તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલના હાજર તબીબો દ્વારા આરોપીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવા માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપી માનસિક રીતે ભાંગી ગયો હતો: પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી માનસિક રીતે પડી ભાંગ્યો હતો. જેની તે માનસિક દવા લઇ રહ્યો હતો. આરોપીએ જેલની ટોઇલેટમાં નાયલોન દોરી વડે ગળે ફાંસો ખાઇ લેતા તે મૃત્યુ પામ્યો હતો. આરોપી સામે દુષ્કર્મનો આરોપ હતો અને જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટમાંથી ચુકાદો આવે તે પહેલા આરોપીએ આત્મહત્યા કરી લેતા અન્ય કેદીઓમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
આ પણ વાંચો: